Get The App

પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલયની લાઈન તૂટતાં ગંદા પાણીની રેલમછેલ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલયની લાઈન તૂટતાં ગંદા પાણીની રેલમછેલ 1 - image

- રોગચાળો ફેલાય તે પહેલા સમારકામ હાથ ધરવા માંગ

- મનપાને રજૂઆત છતાં રિપેરિંગ હાથ નહીં ધરાતા વેપારીઓ-ગ્રાહકો ગંદા પાણીમાં ઉભા રહેવા મજબૂર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી મુખ્ય શાકમાર્કેટ હાલ ગંદકી અને રોગચાળાનું કેન્દ્ર બની ગઈ છે. મનપા સંચાલિત જાહેર શૌચાલયની ડ્રેનેજ લાઈન તૂટી જતા ગંદા પાણી  જાહેર રોડ પર ફરી વળ્યું છે. તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો અને વેપારીઓ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

આ શાકમાર્કેટમાં રોજના હજારો લોકો શાકભાજીની ખરીદી કરવા આવે છે. પરંતુ તંત્રની બેદરકારીથી ગ્રાહકોને દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે લારીધારકો અને ગ્રાહકોની સ્વાસ્થ્ય સામે પ્રશ્નો ઉભો થયો છે. વિસ્તારમાં યુરીનની એટલી તીવ્ર વાસ ફેલાઈ છે કે ત્યાંથી નાક દબાવ્યા વગર નીકળવું પણ મુશ્કેલ છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે અનેકવાર મૌખિક રજૂઆતો તેમજ ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં, મનપાના અધિકારીઓ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવારની રજૂઆતો છતાં રિપેરીંગ કામ કરવામાં મનપા સદંતર નિષ્ફળ નીવડી છે. લોકોમાં ઉગ્ર રોષ છે કે 'શું તંત્ર કોઈ મોટા રોગચાળાના ફેલાવાની રાહ જોઈ રહ્યું છે?' તાત્કાલિક ધોરણે આ લાઈન રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.