Gujarat

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય

By GS TEAM
31 Mar 20261 min read
સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય

ધોળકામાં 'દીવા તળે અંધારું'

સ્માર્ટ સિટીની વાતો વચ્ચે દરરોજ  અરજદારો અને વાહન ચાલકો અકસ્માતના ભય નીચે પસાર થવા મજબૂર

બગોદરાધોળકા શહેરમાં વિકાસના પોકળ દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત દયનીય જોવા મળી રહી છે. શહેરનું મુખ્ય વહીવટી કેન્દ્ર ગણાતી 'સેવા સદન' કચેરી, જ્યાંથી આખા શહેરનો વહીવટ થાય છે, તેની જ બિલકુલ સામે ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાની અને મસમોટા ખાડાઓની સમસ્યાએ ગંભીર સ્વરૃપ ધારણ કર્યું છે.

આ કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓ સતત અવરજવર કરતી હોવા છતાં, કચેરીના ઉંબરે પડેલી આ ગંદકી તંત્રને દેખાતી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે.

રસ્તા પર ભરાયેલા ગંદા પાણીને કારણે વાહનચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેના પરિણામે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ ખાવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. ગટરની દુર્ગંધ અને કાદવ-કીચડને લીધે રાહદારીઓના કપડાં બગડવાની સાથે સ્થાનિક વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો પણ ભય ઊભો થયો છે. સેવા સદન જેવા મહત્વના સ્થળે જ જો આવી સ્થિતિ હોય, તો અંતરિયાળ વિસ્તારોની હાલત કેવી હશે તેવો સવાલ ઉઠાવી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોની માંગ છે કે તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરીને ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.