અમદાવાદ, તા. 2 નવેમ્બર 2022, બુધવાર
સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસીએશન (સેવા)ના સ્થાપક અને સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષા ઈલાબેન ભટ્ટનું અમદાવાદ ખાતે આજે અવસાન થયું છે. ઇલાબેન ૯૦ વર્ષના હતા. એક મહિના અગાઉ જ નાદુરસ્ત તબિયતના કારણે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમણે આ પદ લગભગ આઠ વર્ષ સુધી સંભાળ્યું હતું.
૭ સપ્ટેમ્બર ૧૯૩૩માં જન્મેલા ઇલાબેન કાયદાવિદનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સહકાર ક્ષેત્રે, ગાંધીયન ફિલોસોફી અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે દેશ અને દુનિયામાં અગ્રણી હસ્તીઓની હરોળમાં આવતા હતા. તેમને ભારત સરકારે પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. સેવાના સ્થાપક અને લગભગ બે દાયકા સુધી તેનું મહાસચિવ તરીકે સંચાલન કરનાર ઈલાબેનને મેગસેસે એવોર્ડ પણ મળ્યા હતા.
વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
ઈલાબેન ભટ્ટના પુત્રનુ નિવેદન
અમદાવાદ ખાતે ઈલાબેન ભટ્ટનું આજે અવસાન થયું છે. જેને લઇને ઈલાબેન ભટ્ટના પુત્રનુ નિવેદન સામે આવ્યુ છે. જેમા પુત્રએ જણાવ્યુ કે, આજે બપોરે 12:20 વાગ્યે ઇલાબેન ભટ્ટનું નિધન થયું હતું. થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો, જેના ઈલાજ બાદ ધીરે ધીરે તેઓ સ્વસ્થ થયા હતા ત્યારબાદ ગોલબ્લેડરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. વધુમાં પુત્રએ જણાવ્યુ કે, ઓપરેશન બાદ ગેંગરીનની સમસ્યા થઈ હતી. શરીરના જુદા જુદા અંગોમાં સમસ્યાને કારણે બપોરે 12.20 વાગ્યે નિધન થયું છે
આવતીકાલે સવારે 9 વાગે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
વકીલ પિતા અને મહિલા કોંગ્રેસ અગ્રણીના પુત્રી એવા ઇલાબેનનું બચપણ સુરતમાં વીત્યું હતું ત્યાં તેમણે અંગ્રેજી ભાષામાં બેચલર ઓફ આર્ટસ કર્યા પછી અમદાવાદ ખાતે ગોલ્ડ મેડલ સાથે એલએલબી પૂર્ણ કર્યું હતું.
વર્ષ ૨૦૦૭માં દક્ષિણ આફ્રિકાના ગાંધી એવા નેલ્સન મંડેલાએ ધ એલડર્સ નામના જૂથની રચના કરી હતી અને તેમણે દેશ અને દુનિયાની વિવિધ હસ્તીઓને તેમના જ્ઞાન, ડહાપણ અને તેમના અનુભવ માટે આ જૂથમાં સામેલ કર્યા હતા જેમાં ઈલાબેનનો પણ સમાવેશ થતો હતો.

વર્ષ ૧૯૭૨માં તેમણે ટેક્સટાઈલ્સ મજૂરોની મહિલાઓ માટે સ્થાપેલી સેવા સંસ્થા આજે એક વટવૃક્ષ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે પોતે જ ભણે, પોતે જ ચીજો બનાવે અને પોતે જ તેની કમાણી કરે તેનું વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઉદારણમાંથી એક સેવા બની ગયું છે. લગભગ હાજર જેટલી મહિલાઓથી બનેલું આ જૂથ આજે ૨૦ લાખ જેટલા સભ્યો ધરાવે છે. એટલું જ નહી પોતાના સભ્યો માટે એક બેંક પણ ધરાવે છે. સેવા બેંકની સફળતાથી પ્રેરાય ભારત સરકારે ૨૦૧૨માં માત્ર મહિલાઓ માટે જ અલગ રાષ્ટ્રીય બેંક સ્થાપી હતી.


