Get The App

ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ 1 - image


- ગ્રામજનોને દર મહિને પાણી માટે વેઠવો પડતો આર્થિક ફટકો

- ખારાશયુકત જમીનને લઈને અન્ય વિકલ્પ ન હોય રહિશો નાછુટકે ખાનગી ટેન્કર મારફત પાણી મેળવવા મજબૂર બન્યા 

ઘોઘા : વહિવટીતંત્રની અણઆવડત અને લાપરવાહીથી ઘોઘામાં છેલ્લા ૫૦ વર્ષથી દર ૧૫ થી ૨૦ દિવસે પાણીનું અનીયમીતપણે વિતરણ કરવામાં આવતુ હોય સ્થાનિક રહિશોને પાણી માટે ટળવળવુ પડે છે.જરૂરીયાત કરતા ઓછુ પાણી મળતુ હોય મધ્યમવર્ગીય શ્રમજીવી લોકોને ટેન્કર દ્વારા મને કમને વેચાતુ પાણી લેવાનો વખત આવતો હોય આર્થિક ફટકો વેઠવાનો વખત આવે છે. 

મહિ પરિએજ યોજના અંતગર્ત ઘોઘામાં ૧૫ દિવસે એકથી સવા કલાક પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઘોઘા દરિયાતટે આવેલ હોય ગામમાં ચોમેર ખારાશયુકત જમીન હોય ડંકી, બોર અને કુવામાંથી ખારુ પાણી મળતુ હોય મહિ પુરવઠા યોજના  સિવાય ઘોઘામાં પાણીનો અન્ય કોઈ પ્રબળ વિકલ્પ નથી. ઘોઘાના કુંભારવાડા, વરકુવાડા, ૫૦ વારીયા સહિતના મોટા ભાગના વિસ્તારોના રહિશોને અપૂરતુ પાણી મળતુ હોય તેઓને નાછુટકે જરૂરીયાત મુજબ એકાંતરે અથવા બે થી ત્રણ દિવસે ભાવનગર અને ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી ટેન્કર મારફત પાણી વેચાતુ લેવુ પડે છે. એક અંદાજ મુજબ ઘોઘામાં એકાંતરે ૩૦૦,૬૦૦ અને ૧૦,૦૦૦ લીટરના નાના મોટા ટેન્કર મળીને કુલ ૬૦ થી ૭૦ ટેન્કર મંગાવાઈ રહ્યા છે. અંદાજે ૧૨ હજાર આસપાસ રહેણાંકીય મકાનોમાં સ્થાયી થયેલા ૧૫ થી ૨૦ હજારની વસ્તી પાણીની સમસ્યાથી ભારે અસરગ્રસ્ત છે. ઘરદીઠ દર મહિને અંદાજે રૂા ૧૫૦૦ થી લઈને રૂા ૨૦૦૦ અને વાર્ષિક લેખે ૨૫ હજારથી વધુ મીઠા પાણી પાછળ શ્રમિકોને ખર્ચ કરવો પડે છે. એક અંદાજ મુજબ છેલ્લા ૫૦ વર્ષમાં ઘોઘાવાસીઓએ લાખો રૂપીયાનો પાણી પાછળ ખર્ચ કર્યો હતો.

પાઈપલાઈન નાખવાથી પાણીની સમસ્યા હળવી થાય તેમ છે

એક સમયે ઘોઘામાં સોનારીયા તળાવથી રામકુંડ સુધી પાણીની પાઈપલાઈન મારફત કુંડમાં પાણી એકત્ર કરાતુ હતુ. જે લાઈન કાળક્રમે ડેમેજ થઈ હોય તંત્ર દ્વારા વધારે ક્ષમતાવાળી નવી પાઈપલાઈન નાખવામાં આવે તો ઘોઘાની પાણીની સમસ્યા થોડા ઘણા અંશે હળવી થાય તેમ છે તેમ રહિશોએ જણાવ્યુ હતુ. 

Tags :