સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ
Sevanth School Ahmedabad : સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં ભારે હોબાળો-તોડફોડ અને જનાક્રોશ બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સવારથી જ અધિકારીઓ સાથે સ્કૂલે જઈને તપાસ શરૂ કરાઈ હતી. શહેર ડીઈઓ દ્વારા પ્રાથમિક તપાસને અંતે શિક્ષણ સચિવને રિપોર્ટ સોંપવામા આવ્યો હતો.જે મુજબ આ ઘટનામાં સ્કૂલની-સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. આમ રિપોર્ટ અને તપાસ મુજબ સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારીએ જ વિદ્યાર્થીનો ભોગ લીધો છે.જો સ્કૂલમાં સિક્યુરિટી પુરતી હોત અને બાળક પર હુમલા બાદ તેની તાકીદે સારવાર સહિતની નોંધ લેવાઈ હોત તો આ તે મૃત્યુ પામ્યો ન હોત.
ગુજરાત બોર્ડના ધો.11-12ની માન્યતા રદ કરવા પણ બોર્ડને રિપોર્ટ થશે
અમદાવાદ શહેર ડીઈઓએ શિક્ષણ વિભાગને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ઘટનાની જાણ સ્કૂલ દ્વારા ડીઈઓને સાંજ સુધી કરવામા આવી ન હતી. ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ આપી ખુલાસો માંગવામા આવ્યો હતો પરંતુ આજ સુધીમાં સ્કૂલે ઘટનાને કોઈ ખુલાસો કે જવાબ પણ રજૂ કર્યો નથી. સ્કૂલમાં મુલાકાત દરમિયાન હાજર પોલીસ અધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક રહીશો સાથે ચર્ચા કર્યા બાદ ઘ્યાને આવ્યુ છે કે વિદ્યાર્થીને પ્રાથણિક સારવાર આપવામાં ખૂબ જ વિલંબ કરાયો હતો. સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામા પણ શાળાએ ગંભીર ઉદાસીનતા દાખવી હતી.
આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ
અન્ય વાલીઓના જણાવ્યા મુજબ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે અનેકવાર વિગ્રહના બનાવો બન્યા છે. પરંતુ સ્કૂલ આચાર્ય-સંચાલકે આ અંગે કરવાપાત્ર કાર્યવાહી પણ કરી નથી કે ડીઈઓ કચેરીને જાણ પણ કરી નથી. જ્યારે આજે સ્થાનિક રહીશો-વાલીઓના જનાક્રોશ-તોડફોડને લીધે સ્કૂલ સંચાલક,શિક્ષકો, સ્ટાફ સહિત તમામ લોકો સ્કૂલ છોડી ભાગી ગયા હતા અને જેને પગલે કોઈના રૂબરૂ નિવેદન લઈ શકાયા ન હતા. જો કે બીજી બાજુ વારવાંર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં પણ આચાર્યનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આમ શહેર ડીઈઓના રિપોર્ટ મુજબ સ્કૂલની અને સંચાલકની ગંભીર બેદરકારી આ સમગ્ર ઘટનામાં સામે આવી છે.જેથી મળતી માહિતી મુજબ હવે ડીઈઓ દ્વારા સ્કૂલની આઈએસસીઈ માટે અપાયેલ એનઓસી રદ કરવા માટે પણ ભલામણ કરવામા આવશે અને આ સ્કૂલમાં ધો.11-12 ગુજરાત બોર્ડમાં ચાલે છે જેથી ધો.11-12ની માન્યતા રદ કરવા-વર્ગો બંધ કરવા માટે પણ ગુજરાત બોર્ડને ભલામણ કરાશે.
અમદાવાદ શહેર ડીઈઓના પ્રાથમિક તપાસ અહેવાલ અને ગંભીર બેદરકારીના તારણ બાદ હવે સરકાર આ સ્કૂલની એનઓસી રદ કરશે કે કેમ તે જોવુ રહ્યુ. જ્યારે બીજી બાજુ આ ઘટના બાદ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરીને સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી પગલા લેવા તેમજ સ્કૂલમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ કરાયો છે. સમિતિમાં આચાર્ય, શિક્ષક તેમજ વિદ્યાર્થીને સભ્ય રાખવાના રહેશે. સમિતિએ સ્કૂલ કેમ્પસમાં, રિશેષ સમયે તેમજ મેદાનમાં અને સ્કૂલમાં આવવા-જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે.