સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુશ્મનાવટ થઈ હતી
આરોપી હાર્દિકસિંહ જાડેજાની પૂછપરછમાં ઘટસ્ફોટ : સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુશ્મનાવટ થઈ હતી : રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગનું કાવત્રું ઘડાયું હતું
રાજકોટ, : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવી પુછપરછ કરતાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તેણે અગાઉ રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગની યોજના બનાવી હતી. પરંતુ બંને યોજનામાં નિષ્ફળતા મળતાં આખરે અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું.
ગોંડલ તાલુકા પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હાર્દિકસિંહ રાજકોટના રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. જેને કારણે બંને મિત્રો પણ હતા. સાતેક વર્ષ પહેલાં 2018ની સાલમાં બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ મેટરમાં રાજદિપસિંહ જાડેજા, પિન્ટુ ખાટડી અને જય પોપટ વગેરેએ તેને 150 ફૂટ રિંગ રોડ પર સમાધાનના બહાને બોલાવી તમાચા ઝીંકી મારકૂટ કરી હતી. એટલું જ નહીં, હાર્દિકસિંહ ઉપર બીજા દિવસે તલવાર અને ધોકા વડે હૂમલો પણ થયો હતો. જે હૂમલો તેને રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની પાકી ખાત્રી હતી. પોતાની ઉપર થયેલા હૂમલા અંગે તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે તેમાં રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીના નામ ન હતા.
આ કારણથી હાર્દિકસિંહ રોષે ભરાયો હતો. ત્યાર પછી રાજકોટમાં પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગ કરાવવા તેણે પોતાના સાગરીતોને મોકલ્યા હતા. આ યોજના પણ નિષ્ફળ ગઈ હતી. આખરે તેણે રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે રાજદિપસિંહ અને પિન્ટુ ઉપર ફાયરિંગની યોજના વખતે અલગ-અલગ ભાડુતી આરોપીઓ હતા. જયારે પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ વખતે અલગ આરોપીઓ હતા. આ ચારેય આરોપીઓ અગાઉ પકડાઈ ગયા છે. આ આરોપીઓને હથિયાર અને બાઈક સપ્લાય કરનાર હાર્દિકસિંહના માણસોના નામ જાણવા ગોંડલ તાલુકા પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.