Get The App

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા 1 - image

 વડોદરાઃ સુરત અને લખનઉના ટયુશન ક્લાસમાં આગની દુર્ઘટના સર્જાઇ તેવી હોનારતથી બચવા માટે વડોદરાના ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટિની તપાસ શરૃ કરવામાં આવી છે.

વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા વર્ષ-૨૦૧૯માં કરાયેલા ટયુશન ક્લાસીસના સર્વે બાદ કેટલા ટયુશન ક્લાસ વધ્યા છે અને કેટલા ક્લાસીસ દ્વારા એનઓસી લેવાઇ નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉ એનઓસી મેળવનાર ટયુશન ક્લાસીસમાં વાયરિંગ,એન્ટ્રી-એક્ઝિટ સહિતની સુવિધાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ચીફ ફાયર અને ડે.ચીફ ફાયર ઓફિસર દ્વારા સ્ટેશન ઓફિસરના નેજા હેઠળ કુલ સાત ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોને આજે સાંજ થી જ જુદાજુદા વિસ્તારો ફાળવી કામગીરી સોંપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ફાયર બ્રિગેડની ટીમો દ્વારા મોટાભાગે સાંજના સમયે ચેકિંગ વધુ કરવામાં આવશે,કારણકે દિવસની સ્કૂલોને કારણે મોટાભાગના ક્લાસીસમાં સાંજે સંખ્યા વધુ હોય છે.આજે પહેલા દિવસે વાસણા રોડ,સયાજીગંજ,દાંડિયાબજાર, ગાજરાવાડી,વડીવાડી જેવા સ્થળોએ ૧૮ ટયુશન ક્લાસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે,જેમાં ચાર ક્લાસીસમાં ફાયર સેફ્ટિની ખામી જોવા મળી હોવાની પ્રાથમિક વિગતો મળી છે.આવતીકાલે ગુરૃવારે આ ક્લાસીસને નોટિસ આપવામાં આવનાર છે.

ફાયર બ્રિગેડ દ્વારા ક્લાસીસના સંચાલકો અને સ્ટાફને સ્થળ પર ટ્રેનિંગ અપાશે

વડોદરા ફાયર બ્રિગેડની ટીમોને ટયુશન ક્લાસીસના સંચાલકોને સ્થળ પર તાલીમ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

ડે.ચીફ ફાયર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટિની પુરતી સુવિધા હોવી જરૃરી છે.વળી ઇમરજન્સી વખતે પેનિક ના થાય તે પણ જરૃરી છે.જેથી ફાયર બ્રિગેડની ટીમો ફાયર સેફ્ટિની તપાસની સાથેસાથે ટયુશન ક્લાસના સંચાલકો અને સ્ટાફને આગના બનાવ વખતે રાખવાની તકેદારીની તાલીમ આપશે.જે ક્લાસીસ દ્વારા ફાયરની એનઓસી લેવામાં આવી છે તેમને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરવામાં આવશે.