Get The App

ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ભુજની લક્ઝરી હોટલમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, દારૂની મહેફિલ માણતા 7ની ધરપકડ 1 - image


Bhuj News: શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસે સક્રિયતા વધારી છે. ત્યારે, ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરંતુ પોલીસ આ મુદ્દે મગનું નામ મરી પાડતી નથી.

ભુજ એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે, મધરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટલના રૂમ નંબર 404માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે રૂમમાં પ્રવેશી ત્યારે ટેબલની આસપાસ ખુરશીઓમાં સાત શખ્સો ગંજીફાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. ટેબલ પર મોંઘી વિદેશી બ્રાન્ડની સ્કૉચ વ્હિસ્કીની બે બોટલો અને પૈસાનો ઢગલો પડેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બે શખસો દારૂ પીધેલી હાલતમાં હતા. પોલીસે કુલ 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પોલીસે ઘટનાસ્થળેથી સાત લોકોની ધરપકડ કરી હતી

  • કિરીટ રમેશભાઈ પટેલ (ઉંમર 60, બેન્કર્સ કોલોની, ભુજ)
  • ચંદ્રકાન્ત જાદવજી પટેલ (ઉંમર 65, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ)
  • જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (ઉંમર 54, મુંદરા રીલોકેશન સાઈટ)
  • ચિરાગ બળદેવભાઈ ડોડીયા (ઉંમર 40, રજવાડી બંગ્લો, ભુજ)
  • સંજય પ્રવિણભાઈ પટેલ (ઉંમર 40, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ)
  • નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (ઉંમર 34, ઓધવપાર્ક-02, પ્રમુખ સ્વામીનગર, ભુજ)
  • અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (ઉંમર 68, શિવકૃપાનગર, ભુજ)

પોલીસે દરોડા દરમિયાન, જુગારના પટમાંથી રૂ. 14,000 અને જુગારીઓની અંગઝડતીમાંથી રૂ. 1 લાખ રોકડા મળી કુલ રૂ. 1.14 લાખ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રૂ. 4.70 લાખના આઠ મોબાઈલ ફોન અને આરોપી ચિરાગ ડોડીયાની રૂ. 10 લાખની વોક્સવેગન કાર પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂ પીધેલા બે શખ્સો સામે અલગ ગુનો નોંધાયો

ઝડપાયેલા આરોપીઓમાંથી કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. તેમના કબજામાંથી રૂ. 24,000ની કિંમતની વિદેશી બ્રાન્ડના દારૂની બે બોટલો મળી આવી હતી, જે જયેન્દ્ર ઝાલા દ્વારા લાવવામાં આવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે બંને વિરુદ્ધ દારૂબંધી કાયદા હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે.

પોલીસના કાર્યવાહી સામે ઉઠ્યા છે સવાલ

આ હાઈપ્રોફાઈલ દરોડા અંગે પોલીસે હજુ સુધી આરોપીઓના ફોટા સાથેની પ્રેસનોટ જારી કરી નથી, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જેમ કે, ટેબલ પર ચાર ગ્લાસ હોવા છતાં માત્ર બે જ વ્યક્તિઓ દારૂ પીધેલા કેમ પકડાયા? શું બાકીના આરોપીઓ તેમની કાર વગર આવ્યા હતા? રૂમ કોણે બુક કરાવ્યો હતો? આ અંગે ભુજ એ ડિવિઝનના પીઆઈ અલ્પેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો પ્રતિસાદ મળ્યો નહોતો. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.

Tags :