ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરાવી ખંડણી માંગવાના ગુનામાં વધુ 7ની ધરપકડ, 6 શખ્સ હજુ ફરાર
પોપટ પરાના યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઇલની તપાસ બાદ કાર્યવાહી
મોબાઇલમાંથી ૧૪૦૦ વીડિયો મળ્યા ઃ પ્રતિષ્ઠિત વ્યાક્તિઓના બદનક્ષીભર્યા વીડિયો અપલોડ કરાવી ડિલિટ કરાવાના નામે આયોનજનપૂર્વક તોડ કરવામાં આવતો હતો
સુરેન્દ્રનગર - ઇન્સ્ટાગ્રામ પર સુરેન્દ્રનગર જિલ્લા સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બદનક્ષી ભર્યા વીડિયો અપડોલ કરનાર પોપટપરના યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરાના મોબાઇલની તપાસ બાદ સુરેન્દ્રનગર ૫ોલીસે ૧૪ શખ્સ સામે ગુનો નોંધી સાત શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે છ શખ્સ હજુ પોલીસ પકડથી દુર છે જેને પકડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. જ્યારે યુવકના મોબાઇલમાંથી ૧૪૦૦થી વધુ વીડિયો મળ્યા હતા. જેમાંથી ૧૦૦ વીડિયોનું પુષ્ટી કરી ૧૪ શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર એસઓજી, એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાના નાગરિકો, સરકારી અધિકારીઓ, મહિલાઓ, એન્જીનીયર, બિલ્ડર સહિત ઉચ્ચ હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિકોના ગુનાહિત ધમકી તેમજ બિભત્સ અને બદનક્ષીના આક્ષેપો સાથેના વિડિયો ઈન્સ્ટાગ્રામના અલગ-અલગ બે આઈડી પર અપલોડ કરનાર મુળ સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારનો અને હાલ કલકત્તા રહેતા યુવક યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી પાડયો હતો અને યુવકનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો.
મોબાઈલની તપાસ કરતા યુવક બકરો સોલંકી દ્વારા સુરેન્દ્રનગરના અલગ-અલગ વ્યક્તિઓએ રૃપિયા આપી વિડિયો બનાવડાવી અપલોડ કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું જે મામલે ૧૪ જેટલા શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે તમામ શખ્સો પૈકી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સાત શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને તેમની વધુ પુછપરછ કરતા બકરો સોલંકી પાસે અલગ-અલગ વ્યક્તિઓના વિડિયો બનાવડાવી તેના આઈડીમાં અપલોડ કરાવી આ વીડિયો ડિલીટ નહીં કરવાની ધમકી આપી રૃપિયા પડાવતા હોવાની પણ કબુલાત કરી છે તેમજ પોલીસની વધુ તપાસ દરમ્યાન યુવકના મોબાઈલમાંથી અંદાજે ૧૪૦૦થી વધુ વિડિયો મળી આવ્યા હતા જે પૈકી હાલ ૧૦૦થી વધુ વિડિયોનું પૃષ્ટીકરણ કરી ૧૪ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં બાકીના વિડિયો બાબતે પણ તપાસની તજવીજ હાથ ધરવામાં આવશે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલા સાત આરોપીઓ પૈકી ભવાનભાઈ ઉર્ફે કાનો બાવળીયા સામે વઢવાણ, સુરેન્દ્રનગર બી-ડિવીઝન, જોરાવરનગર અને રાણપુર પોલીસ મથકમાં પ્રોહિબીશન તેમજ જુગારધારા અને પાસા હેઠળ ગુના નોંધાયેલ છે. સુરેશભાઈ ઉર્ફે સુરો સીંધવ સામે વટવા, સુરેન્દ્રનગર એ-ડિવીઝન, બરવાળા સહિતના પોલીસ મથકોમાં જુગાર તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ ઉપરાંત અખીલખાન ઉર્ફે સોનુ પઠાણ સામે ધ્રાંગધ્રા સીટી, સરખેજ, સલાબતપુરા પોલીસ મથકોમાં પ્રોહિબિશન તેમજ હથિયારધારા હેઠળ ગુનાઓ નોંધાયા છે અને અસ્લમ રસુલભાઈ કટીયા સામે એ-ડિવીઝન અને બી-ડિવીઝન પોલીસ મથકે મારામારીના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ (૧) ભવાનભાઈ ઉર્ફે કાનો મનસુખભાઈ બાવળીયા (રહે.૬૦ ફુટ રોડ) (૨) ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (રહે.દુધરેજ ફાટક બહાર વોરાના ડેલામાં) (૩) સંજયભાઈ દેવશીભાઈ ગરીયા (રહે.વાદીપરા શેરી નં.૭) (૪) સુરેશભાઈ ઉર્ફે સુરો બીજલભાઈ સીંધવ (રહે.નવા જંકશન રોડ) (૫) અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ (રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા) (૬) અસ્લમ રસુલભાઈ કટીયા (રહે.મીયાણાવાડ શેરી નં.૩ ) (૪) રાકેશભાઈ વિરજીભાઈ વિરગામી(પ્રજાપતિ) (પત્રકાર, રહે.ટી.બી.હોસ્પિટલ પાછળ, સુરેન્દ્રનગર)
નાસતા ફરતા આરોપીઓ (૧) ઋતુરાજભાઈ લાલજીભાઈ આલ (રહે.ચોકડી) (૨) વનરાજભાઈ અમરાભાઈ ખાચર (રહે.નાના હરણીયા) (૩) જયપાલ વિરગામી (રહે.સોનાપુરી રોડ, સુરેન્દ્રનગર) (૪) નૈમીક ભરતભાઈ શેઠ (૫) રોહન ભરતભાઈ શેઠ (૬) જયદિપભાઈ મહેશભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે.