રૈયાધાર પાસે હુમલામાં સાત પકડાયા, કાલાવડ રોડ પર આતંક મચાવનાર ફરાર
રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની ધજ્જિયા ઉડાડતી વધુ બે ઘટનાઓ
શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો અને ગુંડાગીરી કરનારા લુખ્ખાઓ બેલગામ : સામાન્ય લોકોમાં ભય
રાજકોટ: શહેરમાં પોલીસનું કોઇ અસ્તિત્વ જ રહ્યું ન હોય તેમ સરાજાહેર રસ્તા ઉપર ગુંડાગીરી, લુખ્ખાગીરી અને મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. આ પ્રકારની ઘટનાઓના છાશવારે વીડિયો પણ વાયરલ થાય છે. જેને જોઇને લોકો પણ ફફડી જાય છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં હોવાનું અનુભવે છે. ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકની હદમાં કાલાવડ રોડ પરના એજી ચોક અને રૈયાધારના રાણીમા રૂડીમા ચોકમાં સરાજાહેર હુમલાની ઘટનાઓથી પોલીસની આબરૂના વધુ એક વખત ધજાગરા ઉડયા છે.
રાણીમા રૂડીમા ચોકમાં બનેલી ઘટના અંગે ત્યાં જ રહેતા રીક્ષા ચાલક મુન્નાભાઈ વરૂ (ઉ.વ.૪૩)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આઠમા નોરતે આકલો ઉર્ફે આકાશ દારૂ પીને આવતાં તેને દારૂ પીને નહીં આવવા સમજાવ્યો હતો. જેનો ખાર રાખી ગઇકાલે આરોપીઓ હાડો ઉર્ફે ભવદીપ પરેશ ડાભી, પિયુષ પરેશ ડાભી, લાલજી ઉર્ફે લાલો પોપટ રાઠોડ, વનરાજ ઉર્ફે વનો બારોટ, બન્ટી પ્રતાપ સોલંકી, આકલો, તેનો ભાઇ કમલેશ ઉર્ફે કમો અને ૮થી ૧૦ અજાણ્યા શખ્સો ગેરકાયદેસર મંડળી રચી ધોકા અને પાઇપ સાથે ધસી આવી ધવલ બાબુભાઇ વરૂ, બાબુભાઇ સિંધાભાઈ વરૂ, રવિ બાબુભાઈ વરૂ પર હુમલો કર્યો હતો.જ્યારે કિંજલ બાબુભાઇ વરૂને ધક્કો મારી પછાડી દીધી હતી.
આ ઉપરાંત બાબુ ઉર્ફે આનંદ પરમારની સ્વીફટ કારમાં ધોકા-પાઇપના ઘા ઝીંકી કાચ ફોડી નાખ્યા હતાં. આ ફરિયાદના આધારે પોલીસે એક સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રકશન પંચનામુ કર્યું હતું.
કાલાવડ રોડ પર એજી ચોકમાં આવેલી આશાપુરા હોટલ પાસે થયેલી મારામારી અંગે હોટલના માલિક ધનાભાઇ ગમારા (ઉ.વ.૫૦, રહે. આંબેડકરનગર શેરી નં. ૪, કાલાવડ રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે રાત્રે તેના પુત્ર રાહુલ સાથે હોટલે હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ હોટલની પાળી ઉપર બાઇક ચડાવતા તેના પુત્રએ વ્યવસ્થિત બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું. જેથી ત્રણેય શખ્સોએ તેના પુત્રને ગાળો ભાંડી, ઝગડો કર્યો હતો. માણસો ભેગા થઇ જતા ત્યાંથી જતા રહ્યા હતાં.
થોડીવાર બાદ આરોપી અમન, શાહરૂખ, અરશદ અને પાંચ અજાણ્યા શખ્સો આવ્યા હતા. આવીને બેફામ ગાળો ભાંડી, તેના ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. એટલુ જ નહીં ચાના તપેલા, પ્લાસ્ટિકના કેરેટ વગેરે સામાન ઉપાડીને ઘા કરવાનું શરૂ કર્યું હતું. કાઉન્ટરમાં પણ નુકસાન કર્યું હતું. ટોળા ભેગા થતાં જતા રહ્યા હતાં. જેમાંથી શાહરૂખે તેને કહ્યું કે હવેથી ધ્યાન રાખજે, નહીંતર તને અને તારા દીકરાને જાનથી મારી નાખશું. આ ઘટનામાં આજ સાંજ સુધી એકપણ આરોપી પકડાયા નહીં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.