જામનગરમાં એક પરિવાર ઉપર હથિયારો વડે હુમલો કરી મહાવ્યથા પહોંચાડવાના કેસમાં ચાર આરોપીઓ ને ત્રણ ત્રણ વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
તા. 23/10/2015ના રોજ આરોપીઓ દિગુભા ભુપતસિહ ઝાલા, દોલુભા નાથુભા જાડેજા, ઈન્દ્રાબા હેમંતસિંહ જાડેજા, ચંદુબા ભુપતસિંહ ઝાલા તથા હેમતસિંહ ધ્વારા ગેરકાયદેસર મંડળી રચી મારૂતિનગર, રામ મંદિરની બાજુમાં આવેલ ફરીયાદી ધનસુખભાઈ જીવરાજભાઈ દેગામા ના રહેણાંક મકાને લોખંડના પાઈપ લાકડાના ધોકા અને તલવાર જેવા પ્રણાઘાતક હથિયારો સાથે રાખી દોલુભા નાથુભા જાડેજા એ ફરીયાદીને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે તલવારનો ઘા મારી, ફરીયાદીના ભાઈને મુંઢમાર મારી ઈજાઓ કરી તમામ આરોપીઓએ ગાળો બોલી ફરીયાદીનું પ્રાણઘાતક હથિયારોથી ખુન કરવાનો પ્રયાસ કરી અને ફરીયાદીના મકાનને નુકસાન પહોચાડેલ .
આથી ધનસુખભાઈ જીવરાજભાઈ દેગામા એ આરોપીઓ વિરૂધ્ધ સીટી 'બી' ડિવિઝન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ અને ત્યાર પછી પોલીસ ધ્વારા ચાર્જશીટ કરવામા આવ્યું હતું. ત્યાર પછી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા મેડીકલ ઓફીસરની જુબાની, ફરીયાદીની જુબાની, સાહેદોની જુબાની અને આરોપીના હથિયારના ઓળખની સાબિતી થતી હોય તેવી દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી. જયારે બચાવપક્ષના વકિલ ધ્વારા સ્વતંત્ર સાહેદના નિવેદન લેવામાં આવેલ નથી તેમજ કોઈપણ સાહેદે મેડીકલ હિસ્ટ્રી માં ઈજા કરનારનું નામ જણાવેલ નથી તેવી તકરાર લઈ અને અલગ અલગ ચુકાદાઓ રજુ કરેલ હતા. ત્યાર પછી સેશન્સ કોર્ટ ધ્વારા સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ અને હિંમતસિંહ સિવાયના તમામ ચાર આરોપી ઓ ને ત્રણ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. 15,000નો દંડ ફટકારેલ જ્યારે અને ઈજા પામનાર ફરીયાદી ને રૂા. 50,000 વળતર પેટે ચુકવવાનું હુકમ ફરમાવેલ છે.
આ કેસ માં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર રોકાયા હતાં.


