બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી
પરિવારનું આર્થિક કારણ આપીને જામીન માંગ્યા હતા
અગાઉ પણ મર્ડર કેસના અન્ય આરોપીઓના જામીન પણ નામંજૂર થઇ ચુક્યા હતાઃ
અમદાવાદ,સોમવાર
શહેરના મિરઝાપુર વિસ્તારમાં આશરે પોણા બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં પિતા અને તેના ત્રણ પુત્રોએ છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી સશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એ કેસના આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
શહેરના મીરઝાપુર વિસ્તારમાં રહેતા બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ અને તેના પુત્ર મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણ દ્વારા ધંધાકીય અદાવતમાં છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને ગત ૩૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની શાહપુર પોલીસે ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા ઇમરાન નામના આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી. જેમાં તે છેલ્લાં ઘણા મહિનાઓથી જેલમાં હોવાથી પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાંકીય આયોજન માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે જામીન મુક્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેના ભાઇ મોહસીને પણ આઠ દિવસના જામીન ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને માંગ્યા હતા અને કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઇમરાને પણ સરખુ કારણ આપીને જામીન માંગતા કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને જામીન અરજી નકારી દીધી હતી. આમ, વધુ એક વાર આરોપીના જામીન ના મંજૂર થયા છે.