Gujarat

સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

By GS TEAM
23 Jun 20253 mins read
TukuTouch Logo
અંકુર ચોકડી નજીક 70 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 15 વડીલો રોજ ભેગા થાય છે કાપડના વેસ્ટ ( ચીદડી) ભેગી કરી તેમાંથી દોરી બનાવી તેનું વેચાણ કરે છે જે પૈસા આવે તેનાથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના વરાછા રોડના સિનિયર સીટીઝનની સેવાકીય પ્રવૃત્તિ, કાપડના વેસ્ટમાંથી દોરી બનાવી વેચાણના પૈસાથી સમાજ સેવા

Surat : સુરતના વરાછા રોડના નિવૃત્ત જીવન ગાળતા 15 થી વધુ સિનિયર સીટીઝન દ્વારા અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વરાછા રોડના એક પ્લોટ પર રોજ 15થી વધુ વડીલો ભેગા થાય છે અને તેઓ કાપડના વેસ્ટ (ચીંદડી) ભેગી કરે છે અને તેમાંથી દોરી બનાવી રચનાત્મક અભિગમ સાથે સમય પસાર કરે છે. એટલું જ નહી પરંતુ જે દોરી બને છે તેનું વેચાણ કરે છે તેમાંથી જે પૈસા ભેગા થાય છે તેનો ઉપયોગ વિવિધ સમાજ સેવા માટે કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી વડીલોનું આ ગ્રુપ વેસ્ટ કાપડમાંથી દોરી બનાવી મનો દિવ્યાંગ આશ્રમ, રક્તપિત્તના દર્દી માટે અથવા પક્ષીઓના ચણ માટે ઉપયોગ કરી અન્ય લોકો માટે ઉદાહરણ બની રહ્યાં છે. 

સુરતના વરાછા રોડ વિસ્તારમાં આવેલી અંકુર ચોકડી પાસેના એક પ્લોટમાં રોજ 70 વર્ષથી વધુની વય ધરાવતા 15થી વધુ વડીલો ભેગા થાય છે. આમ તો આ વડીલોની ઉંમર મંદિરમાં જઈ ભજન કરવાની છે પરંતુ આ વડીલો યુવાનોને પણ શરમાવે તેવી વિચારધારા સાથે પોતનો સમય પસાર કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ પણ અનોખી રીતે કરી રહ્યાં છે. તેમની આ પ્રવૃત્તિ વરાછા વિસ્તારના લોકો માટે ઉદાહરણ બની રહી છે. આ પ્રવૃત્તિ અંગે માહિતી આપતાં હિંમતભાઈ આસોલીયા કહે છે, અમે 15થી વધુ વડીલો છીએ અને બધાની ઉંમર 70 વર્ષ કરતા વધુ છે. બે વર્ષ પહેલાં પોતાનો સમય પસાર કરવા ભેગા થતા હતા. તે દરમિયાન એક વડીલે વેસ્ટ કાપડના લીરા(ચીંદડી)માંથી દોરી બનાવી હતી. તે એટલી સારી બની હતી કે તેનો ઉપયોગ થઈ શકતો હતો. 

આ જોઈને અમને વિચાર આવ્યો હતો અને બધાએ ભેગા મળીને કાપડના વેસ્ટમાંથી દોરી બનાવવાનું શરું કરી દીધું હતું. એક દોરી 50 રૂપિયાના ભાગે વેચાઈ રહી છે. આ દોરીના વેચાણ બાદ જે પૈસા ભેગા થાય છે તેમાંથી અમે પહેલા નજીક પક્ષીઓ ઘણા આવતા હતા તેના માટે ચણ લાવતા થયા હતા. જોકે, ચણ વધી ગયું હતું અને ત્યારબાદ ભેગા થયેલા પૈસામાંથી અમે નજીક આવેલી રક્તપિતની હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં દર્દીઓનો ભોજન કરાવ્યું હતું. બીજી વખત પૈસા ભેગા થયા ત્યારે અમને એવી ખબર પડી હતી કે મનોદિવ્યાંગ બાળકો માટે એક આશ્રમ છે ત્યાં દાન ઓછું આવે છે તેથી અમે ત્યાં ભેગા થયેલા પૈસાનું દાન આપવા સાથે બાળકોને પણ ભોજન કરાવ્યું હતું. 

આમારી સાથે લાલજીભાઈ રોકડ અને પ્રેમજી માયાણી તથા અન્ય વડીલો છે તેઓ બધા ભેગા થઈને કાપડના વેસ્ટમાંથી રોજની 50 જેટલી દોરી બનાવીએ છીએ. આ દોરી એટલી મજબુત બને છે કે લોકો તેને લેવા માટે તરત આવી જાય છે. પહેલા હાથથી બનાવતા હતા પરંતુ હવે નાનકડું મશીન લાવ્યા છે અને તેનાથી બનાવીએ છીએ. એક સજ્જન વ્યક્તિનો પ્લોટ છે તેની વચ્ચે ખુલ્લી જગ્યામાં અમારા વડીલો માટે જગ્યા આપી છે અને તેમાં કામ માટે જગ્યા સાથે આરામ માટે ખાટલા અને શેડ પણબનાવ્યો છે. 

આમ વડીલો પોત પોતાના ઘરે બોજ બનવાના બદલે પોતાની ઉંમરના અન્ય વડીલો સાથે ભેગા મળી રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. આ બધા વડીલો ભેગા થાય છે અને જે દોરી બનાવે છે તેના ભેગા થયેલા પૈસાનું કોઈ પણ સેવાકીય કામ કરે છે. જો કોઈ વડીલોને પોતે બનાવેલી દોરી જોઈએ તો તે પણ અન્ય લોકો માટે એક દોરીના 20 રૂપિયા હોય છે તે દોરી પણ 20 રૂપિયામાં વડીલો પણ વેચાતી લે છે. તેનું કારણ જણાવતા વડીલો કહે છે, આમ તો એવું કહેવાય કે વડીલો પરિવાર પર ભાર હોય છે પરંતુ અમે જે રીતે ભેગા થઈએ છીએ અને અન્ય પર ભાર બનવાના બદલે અમારા શરીરમાં હજી પણ જોર બુદ્ધિ છે તેનો ઉપયોગ કરી આવક કરી રહ્યાં છીએ અને આ આવકનો ઉપયોગ સેવાકીય પ્રવૃત્તિ માટે કરવાનો હોય અમે પોતે પણ 20 રૂપિયાની એક દોરી ખરીદીએ છીએ. આમ વરાછા રોડના વડીલો અન્ય પર બોજ બનવાનાર બદલે પોતાની મહેનતથી ભેગી કરેલી રકમ થી યુવાનોને શરમાવે તેવી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે.