Get The App

અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના પોશ એરિયામાં નોકરે જ કરી 26 લાખની ચોરી, દાગીના ફરીદાબાદ કુરિયર કર્યા ને પકડાયો 1 - image

Ahmedabad News: અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં ઘરઘાટી પર વિશ્વાસ રાખવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે રૂ.26 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખસોની ધરપકડ કરી છે. ઘરઘાટીએ પોતાના દિલ્હીના મિત્રો સાથે મળીને ઘરમાંથી કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી અને પોલીસથી બચવા માટે ચોરીનો મુદ્દામાલ કુરિયર મારફતે ફરીદાબાદ મોકલી આપ્યો હતો.

તિજોરી સાફ કરવાનું ખતરનાક કાવતરું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 21 વર્ષીય શંકર અગ્નિપ્રસાદ ફરિયાદીના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. તેણે દિલ્હીમાં રહેતા તેના મિત્રો આકાશ ઠાકુર અને અયાઝ ખાન સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ગત 4 મે, 2026ના રોજ જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા, ત્યારે આ ટોળકીએ તિજોરી પર હાથ સાફ કર્યો હતો.

ડ્રાઈવર પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ

ચોરી દરમિયાન ફરિયાદીના પિતા અચાનક ઘરે આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. શંકર અને આકાશ પકડાઈ ગયા હતા, પરંતુ અયાઝ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ભાગતા સમયે આકાશે ફરિયાદીના ડ્રાઈવર પર હુમલો કરી તેને ઈજા પણ પહોંચાડી હતી.

દાગીના કુરિયર કર્યા અને ભાંડો ફૂટ્યો

ધરપકડ બાદ શંકરની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પણ તેણે ઘરમાંથી ઘરેણાં ચોર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તે ઘરેણાં પ્રાઈવેટ કુરિયર સર્વિસ દ્વારા ફરીદાબાદમાં તેના એક પરિચિતને મોકલી આપ્યા હતા.

દિલ્હી-ફરીદાબાદમાં પોલીસનું ઓપરેશન

માહિતી મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસની એક ટીમ તાત્કાલિક દિલ્હી અને ફરીદાબાદ રવાના થઈ હતી. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ફરીદાબાદથી કુરિયરનું પાર્સલ રિકવર કર્યું હતું અને દિલ્હીથી ફરાર આરોપી અયાઝ ખાનને પણ દબોચી લીધો હતો.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

સોનાના દાગીના: 36 તોલા (કિંમત આશરે રૂ. 25.57 લાખ)

ચાંદીના ઘરેણાં: 67 ગ્રામ (કિંમત આશરે રૂ. 37,000)

અન્ય: ઇમિટેશન જ્વેલરી (કિંમત રૂ. 2,500)

કુલ રિકવરી: આશરે રૂ. 25.97 લાખ

આ પણ વાંચો: વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા

ઝડપાયેલા આરોપીઓ

- શંકર અગ્નિપ્રસાદ (ઉં.વ.21), મૂળ દિલ્હીનો અને હાલ આંબાવાડીમાં રહેતો ઘરઘાટી.

- આકાશ ઠાકુર (ઉં.વ.23), દિલ્હીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે.

- અયાઝ અહેમદ ખાન (ઉં.વ.20), દક્ષિણ દિલ્હીનો રહેવાસી.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે આવી ચોરી કરી છે કે કેમ.