રાધનપુર હાઈવે પર જીપનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત સર્જાયો, 6 લોકોનાં મોત
જીપનું ટાયર ફાટતાં જીપ ટ્રકને જબરદસ્ત રીતે અથડાઈ હતી
પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડાયા હોવાની જાણકારી મળી છે
પાટણ,15 ફેબ્રુઆરી 2023 બુધવાર
ઉત્તર ગુજરાતમાં પાટણ- રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના બની છે. આ હાઈવે પર મોટી પીપળી ગામના પાટીયા નજીક જીપનું ટાયર ફાટતાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બંને વાહનો ટકરાતા જીપના ફુરચા ઉડી ગયા હતાં. આ ઘટનામાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.
જીપનું ટાયર ફાટતાં જીપ ટ્રકને અથડાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાધનપુરના વારાહી હાઈવે પર જીપનું ટાયર ફાટતાં જીપ ટ્રકને અથડાઈ હતી. જબરદસ્ત ટક્કર વાગતાં જીપના ફુરચા બોલી ગયા હતાં. આ ઘટનામાં 6 મુસાફરોના મોત થયાં છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલ થયેલાને હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી મળી છે.
પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ ઘટનામાં અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.