Gujarat

15 વર્ષની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં મૂળ અમરેલીના 22 વર્ષના યુવાનને સુરતની કોર્ટમાં 20 વર્ષની સખતકેદ

By GS TEAM
12 Sep 20252 mins read
15  વર્ષની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં મૂળ અમરેલીના 22  વર્ષના યુવાનને સુરતની કોર્ટમાં 20 વર્ષની સખતકેદ

મૂળ અમરેલીનો યશ ટાંકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી: પીડિત તરૂણીને રૂા.4 લાખ વળતર ચૂકવવા કોર્ટનો નિર્દેશ

સુરત, : સુરતના કતારગામ વિસ્તારની 15 વર્ષની તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં 22 વર્ષના આરોપીને આજે એડીશ્નલ સેશન્સ જજ આર.આર.ભટ્ટે પોક્સો એક્ટની કલમ-6ના ગુનામાં મહત્તમ 20 વર્ષની સખ્તકેદ, કુલ રૂ. 32,000 દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સખ્તકેદ તથા ભોગ બનનારને 4 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

બે વર્ષ પહેલા કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષ પાંચ માસની વયની તરૂણીને  મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના વતની 22 વર્ષીય આરોપી યશ દુર્લભ ટાંક(રે.ગ્લોબલ સીટી,કોસાડ અમરોલી) અપહરણ કરી ભગાડી ગયો હતો. અને ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું હતું. તરૂણીના પિતાની ફરિયાદ બાદ આરોપીની કતારગામ પોલીસે ધરપકડ કરી હતી.  કેસની સુનાવણીમાં બચાવપક્ષે જણાવ્યું કે, રૂા. 50,000 ની લેવડદેવડ મુદ્દે ખોટો કેસ કર્યો છે.  ભોગ બનનારના બિભત્સ ફોટા રેકર્ડ પર કે આરોપીના મોબાઈલમાંથી મળ્યા નથી.આરોપી તથા ભોગ બનનાર મિત્રતાના સંબંધ તેના પરિવારને પસંદ ન હોઈ હાલની ખોટી ફરિયાદ કરી છે. જ્યારે  સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે, આરોપીએ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં બદકામના ઈરાદે વાલીપણાના કબજામાંથી પોતાના ઘરે લઈ જઈને બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું છે.સગીરની સંમતિનો પ્રશ્ન રહેતો નથી.મેડીકલ હીસ્ટ્રીમાં પણ પીડીતાએ બનાવની હકીકતને સમર્થન આપ્યું છે. કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજાનો હુકમ કરતા જણાવ્યું હતું કે, આરોપીનું કૃત્ય  ધ્રુણાસ્પદ અને ગંભીર હોઈ હળવાશથી લઈ શકાય નહીં.