Gujarat

કંપનીમાં ૨૪૧ બનાવટી બિલ રજૂ કરી સિનિયર મેનેજરે ૩.૭૫ કરોડ ઓળવી લીધા

By GS TEAM
1 Sep 20252 mins read
કંપનીમાં ૨૪૧ બનાવટી બિલ રજૂ કરી સિનિયર મેનેજરે ૩.૭૫ કરોડ ઓળવી લીધા

ગાંધીનગરના ઇન્ફોસિટી ટાવરમાં આવેલી

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પોતાના અને સગાના બેંક ખાતામાં રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા ઃ ભાંડો ફૂટતા ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગરના ઇન્ફોસિટી ટાવર એકમાં આવેલી કંપનીના તત્કાલીન સિનિયર મેનેજર દ્વારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કંપનીમાં ૨૪૧ જેટલા ખોટા બીલો રજૂ કરીને ૩.૭૫ કરોડ રૃપિયાની રકમ ઓળવી લેવામાં આવી છે અને તપાસમાં ભાંડો ફૂટતા આ અંગે કંપનીના સિનિયર ડિરેક્ટર દ્વારા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

હાલમાં છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ કંપની કે ઓફિસમાં વિશ્વાસુ કર્મચારીઓ દ્વારા જ છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે ટાવર એકમાં પાંચમાં માળે આવેલી એડવાન્ડમેડ ઇન્ડિયા એલ.એલ.પી. નામની કંપનીના તત્કાલીન સિનિયર મેનેજર હાદક જગદીશભાઈ પટેલ દ્વારા કંપનીને ૩.૭૫ કરોડ રૃપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે કંપનીમાં એચઆર વિભાગમાં સિનિયર ડિજેક્ટર તરીકે કામ કરતા ગિરીશ મહેશભાઈ ગોપાલાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,તેમની કંપની અમેરિકાની હેલ્થપ્લાન કંપનીઓ માટે મેડિકલ રેકોર્ડ તૈયાર કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન, અમુક હોસ્પિટલો અને મેડિકલ ઓફિસરો તેમની સેવા માટે ચાર્જ લે છે, જેનું પેમેન્ટ કંપની ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન કરતી હોય છે.ફેબ્આરી ૨૦૨૫માં, કંપનીની પેમેન્ટ ટીમ દ્વારા એક મેડિકલ ઓફિસર એમન્ડા લી જોન્સ, સાથે ટેલિફોન પર વાતચીત કરવામાં આવી હતી. જ્યારે ટીમે તેમને જણાવ્યું કે તેમનું બિલ આવી ગયું છે અને તેનું પેમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે એમન્ડા જોન્સે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કંપનીને કોઈ બિલ મોકલ્યું નથી, કારણ કે તેઓ તમામ માહિતી મફતમાં આપે છે. આ ખુલાસા બાદ, કંપનીએ તપાસ હાથ ધરી હતી અને ૪ ડિસેમ્બર, ૨૦૨૦થી ૧૧ ફેબ્આરી, ૨૦૨૫ દરમિયાન પેપલ અને સ્ટ્રાઈપ જેવી વેબસાઇટ્સ પરના તમામ બિલ અને પેમેન્ટની ચકાસણી કરી હતી.તપાસ દરમિયાન, કુલ ૨૪૧ બિલ નકલી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બિલ વિવિધ નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા, આ બિલ કેટલાક ઈમેલ એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા, જેની આગળ અથવા નીચે હાદક પટેલનું નામ લખેલું હતું. હાદક પટેલના એક્સિસ બેંક ખાતા અને તેમના સંબંધી પારુલબેન પટેલના એસબીઆઈ ખાતાના સ્ટેટમેન્ટ્સ પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં મોટી રકમની હેરફેર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે કંપનીના તત્કાલીન સિનિયર મેનેજર હાદક જગદીશભાઈ પટેલ રહે, ૬૦૪, સમય એલીગન્સ, કે રહેજા રોડ, કોબા સામે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.