બે લાખની લાંચ કેસમાં સિનિયર ક્લાર્કની જામીન અરજી રદ
ચાર્જશીટ પછી સંજોગોમાં કોઇ ફેરફાર થયા નથી : અદાલત
વડોદરા : રેતીનો સ્ટોક રાખવા માટે કરવામાં આવેલી અરજીને મંજૂરી આપવા માટે રૃા.૨ લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા ખાણ ખનિજ વિભાગના ક્લાર્કે ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે ચાર્જશીટ બાદ સંજોગો બદલાયા નથી તેવી નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ
રેતીનો સ્ટોક રાખવા માટે ઓન લાઇન એપ્લિકેશન કરી હતી અને ત્યાર બાદ તેઓ
ખાણ-ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહને મળતા તેણે લાંચ પેટે રુા.૨ લાખની
માગણી કરી હતી. ત્યાર બાદ લાંચનું છટકુ ગોઠવવામાં આવતાં આરોપી યુવરાજસિંહ અને કિરણ
પરમાર તા.૧૨ મે ૨૦૨૫ના રોજ એસીબીના હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે આ કેસમાં મદદનીશ
ભૂસ્તરશાસ્ત્રી રવિકુમાર કમલેશકુમારમિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત
જીતેન્દ્રકુમાર પટેલની સંડોવણી ખુલતા આ બન્ને શખ્સો લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ
તેની પણ ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ
ગોહિલે આ કેસમાં તપાસ અધિકારીએ ચાર્જશીટ રજૂ કરતા જામીન અરજી મૂકી હતી. સરકાર તરફે
મુખ્ય સરકારી અધિકારી અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, અરજદાર લાંચની રકમ લેતા
રંગે હાથ ઝડપાયો છે. તેની સામે પ્રથમદર્શનીય કેસ જણાઇ રહ્યો છે ત્યારે અરજી
નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ અરજદાર
યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલની જામીન અરજી રદ કરી હતી.