ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરનાર સિનિયર સિટિઝને 15.75 લાખ ગુમાવ્યા
Vadodara Fraud Case : વડોદરાના 82 વર્ષના સિનિયર સિટિઝને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટમાં આકર્ષક વળતરની આશાએ 15.75 લાખ ગુમાવ્યા હતા. જે અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દિવાળીપુરા હાથીભાઇનગરમાં રહેતા 82 વર્ષના દીપંકર સુશાંતકુમાર હળદરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 9મી જુલાઇએ હું મારા ઘરે હતો. તે દરમિયાન યુ ટયુબ પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એક પોસ્ટ જોઇ હતી. તેમાં લખ્યું હતું કે, 22 હજારનું રોકાણ કરવાથી મહિનામાં સાત લાખ નફો થશે. તે પોસ્ટમાં આપેલી લિંક મેં ખોલી તેમાં મારા બેંક એકાઉન્ટની વિગતો ભરી રજિસ્ટ્રેશન કર્યુ હતું. ત્યારબાદ મને 22 હજાર ભરવાનું કહેતા મેં તેમણે જણાવેલા એકાઉન્ટમાં 22 હજાર ભર્યા હતા.
ત્યારબાદ 10મી એપ્રિલે વિદેશના નંબર પરથી અનાયા શર્માના નામે એક મેસેજ આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, હું ટ્રેડિયોન ડોટ નેટમાં સિનિયર મેનેજર છું. તેઓ અવાર-નવાર ઝુમ મિટિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટની માહિતી આપતા હતા. તેઓ જે બેંક એકાઉન્ટની ડિટેલ આપતા તેમાં હું રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેઓએ ગોલ્ડ, કોમોડિટી અને ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મેં તેઓેને 16.25 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
થોડા સમય પછી મેં ઇન્વેસ્ટ કરેલા રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા વિડ્રો થયા ન હતા. મેં આ અંગે અનાયા શર્માને પૂછતા તેણે જણાવ્યું હતું કે, તમારે યુ.કે.ના કેપિટલ ગેઇન પ્રમાણે 3.90 લાખ ભરવા પડશે. પરંતુ, મારી પાસે રૂપિયા નહી હોવાથી મેં ભર્યા ન હતા.
ત્યારબાદ ટ્રેડિયન ડોટ કોમના ક્લેઇમ ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવ્યો હતો. તેણે પોતાનું નામ બલરાજસિંઘ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, રિફંડના પ્રોસેસ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જોઇશે. જેથી, મેં ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. તેણે મને એવું કહ્યું કે, તમને મર્ચન્ટ તરફથી ફોન આવશે અને તમારા રિફંડની પ્રોસેસ થશે. ત્યારબાદ તેઓએ મને માત્ર 49,502 રૂપિયા જ રિફંડ કર્યા હતા. જ્યારે બાકીના 15.75 લાખ રિફંડ કર્યા ન હતા.