Gujarat

વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

By GS TEAM
31 Aug 20252 mins read
વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

અમદાવાદ,રવિવાર

શહેરના નારણપુરામાં રહેતા ૭૩ વર્ષીય વ્યક્તિને એક ઇનામી ડ્રોમાં સોના-ચાંદીના સિક્કા લાગ્યા હતા. જેથી તે અંગે ફોન ન આવતા ગુગલ પરથી ફોન નંબર શોધીને કોલ કર્યો હતો. જેમાં કોલ રીસીવ કરનારે સોનાના બિસ્કીટના બદલામાં રોકડ આપવાનું કહીને પીટીએમ એપ્લીકેશનમાં પ્રોસેસ કરાવીને નાણાં પડાવી લીધા હતા. આ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નારણપુરા ટેલીફોન એક્સચેંજ પાસે આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ૭૩ વર્ષીય મહેશભાઇ જોષીને થોડા દિવસ પહેલા એક ઇનામી ડ્રોમાં સોના-ચાંદીના સિક્કા જીત્યાની જાણ થઇ હતી. પરતુ, નામ જાહેર થયાના ચારથી પાંચ દિવસ સુધી કોલ  આવ્યો નહોતો.  જેથી મહેશભાઇએ ગુગલ સર્ચ એન્જીન પરથી એક મોબાઇલ નંબર મેળવીને કોલ  કર્યો હતો.

જ્યાં કોલ રીસીવ કરનારે તેમની તમામ વિગતો જાણીને કહ્યું હતું કે તે મહેશભાઇને સોનાના સિક્કાના બદલામાં નાણાં અપાવવાનું કહીને તેમને પેટીએમથી નાણાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરાવી હતી. પરંતુ, આ સમયે મહેશભાઇના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થવાને બદલે ૩૦ હજાર કપાઇ ગયા હતા.  જેથી શંકા જતા મહેશભાઇએ ફોન કટ કર્યો હતો. પરંતુ, મહેશભાઇને તેણે ફરીથી કોલ કરીને કહ્યુ હતુ કે ખોટી એન્ટ્રી કરવાથી નાણાં કપાઇ ગયા છે. જે પ્રોસેસ કરીને પરત આપશે તેમ જણાવીને ફરીથી પ્રોસેસ કરાવી હતી. પરંતુ, ત્યારે પણ નાણાં જમા થવાને બદલે બીજા ૭૧ હજાર ખાતામાંથી કપાયા હતા. આમ, મહેશભાઇને  છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક ફોન સ્વીચ ઓફ કરીને આ અંગે ઘાટલોડિયો પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર સી  પી જોષીએ ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.