ફતેગંજમાં બે ફ્લેટ ખરીદનાર સિનિયર સિટિઝનને અધુરા બાંધકામવાળા ફ્લેટના દસ્તાવેજ કરી ઠગાઇ

વડોદરાઃ ફતેગંજની સાકાર-૬ નામની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવનાર સિનિયર સિટિઝન સાથે બિલ્ડરે છેતરપિંડી કરતાં તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના સોલા રોડ પર સૂર્યનારાયણ બંગલો ખાતે રહેતા જશવંતભાઇ ગાંધીએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૦૫માં મારા સગા મારફતે સુનિલ રાજેશભાઇ પંડિત (સાકાર રેસિડેન્સી-૧,ન્યુ એરા સ્કૂલ પાસે,નિઝામપુરા) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ વર્ષ-૨૦૧૭માં સુનિલે ફતેગંજની સાકાર-૬ સ્કીમમાં ફ્લેટ ખરીદવા માટે વાત કરતાં મેં રૃ.૬૦ લાખમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા.
સુનિલે છ મહિનામાં કબજો આપવાનું કહ્યું હતું.પરંતુ આપ્યો નહતો.તેણે બંને ફ્લેટના દસ્તાવેજ કર્યા હતા.પરંતુ ત્યારપછી પણ ફ્લેટનું પ્લાસ્ટર તેમજ વાયરિંગ સહિતનું બાંધકામ અધુરું હતું.તેણે કહ્યા મુજબ ફ્લેટનું પઝેશન આપ્યું નથી અને પૈસા પણ પરત કર્યા નથી.જેથી ફતેગંજ પોલીસે અનવી ઇન્ફ્રા નામની પેઢીના સુનિલ પંડિત સામે ગુનો નોંધ્યો છે.
તમામ 16 ફ્લેટમાં પ્લાસ્ટર નથી,લિફ્ટ પણ નથી,કોઇ રહેવા નથી આવ્યું
સિનિયર સિટિઝને કહ્યું હતું કે,માત્ર મારી સાથે જ નહિ પણ આ સ્કીમમાં ફ્લેટ લેનાર તમામ ૧૬ ફ્લેટ ધારકો ફસાયા છે.જેમાંથી આઠના દસ્તાવેજ થયા હોવાનું મને જાણવા મળ્યું છે.બિલ્ડરે પ્લાસ્ટર કર્યું નથી,વાયરિંગ કર્યું નથી અને લિફ્ટની પણ સુવિધા આપી નથી.જેથી કોઇ રહેવા આવી શકે તેવી સ્થિતિ નથી.









