Gujarat

ભાજપના સિનિયર કાર્યકર્તાની પાર્ક કારનો કાચ તોડી લેપટોપ, મોબાઈલફોન તથા અગત્યના ડોક્યુમેન્ટ ચોરી અજાણ્યો તસ્કર ફરાર

By GS TEAM
3 Jul 20251 min read
ભાજપના સિનિયર કાર્યકર્તાની પાર્ક કારનો કાચ તોડી લેપટોપ, મોબાઈલફોન તથા અગત્યના ડોક્યુમેન્ટ ચોરી અજાણ્યો તસ્કર ફરાર




જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કામ અર્થે ગયેલ ભાજપના સિનિયર કાર્યકર્તા તથા પેટ્રોલપંપ સંચાલકની પાર્ક કારનો કાચ તોડી તેમાંથી લેપટોપ, મોબાઈલફોન તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતની ચીજ વસ્તુઓ ચોરી અજાણ્યો તસ્કર ફરાર થઈ જતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોત્રી વિસ્તારમાં રહેતા તથા ભાજપના સિનિયર કાર્યકર્તા 55 વર્ષીય જનકકુમાર પરમાર ચિખોદરા ખાતે પેટ્રોલ પંપ ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. 2 જુલાઈના રોજ બપોરના સમયે મે પેટ્રોલપંપથી કપૂરાઈ ચોકડી પાસેના વંદે કમલમ જિલ્લાભાજપ કાર્યાલય ખાતે કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. અને કાર્યાલય પહોંચી મારી કાર ભાજપ કાર્યાલયની સામેની બાજુ નેશનલ હાઇવે નં. 48 પર બહુરાની હોટલ આગળ પાર્ક કરી હતી. કાર્યાલયમાં કામ પતાવી પરત આવતા કારની ખાલી સાઈડની પાછળનો કાચ તૂટેલ હતો. તપાસ કરતા પાછળની સીટ પર રાખેલ રૂ. 15 હજારની કિંમતનું લેપટોપ, મોબાઇલ ફોન, અલગ અલગ બેંકની પાસબુક - ચેકબુક, પેટ્રોલ પંપનો અસલ દસ્તાવેજ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ તથા રૂ.10 હજાર રોકડની ચોરી થયાનું બહાર આવ્યું હતું.