Get The App

ભાવનગરમાં સ્વયંભૂ સજ્જડ બ્લેક આઉટ, વાહન વ્યવહાર ન થંભ્યો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગરમાં સ્વયંભૂ સજ્જડ બ્લેક આઉટ, વાહન વ્યવહાર ન થંભ્યો 1 - image


- દુકાનો, રહેણાંકી મકાનો, કોમર્શિયલ બિલ્ડીંગો, ઓફિસોમાં અર્ધો કલાક લાઈટો બંધ રાખી

- આકાશમાં ઉડતા ડ્રોન કેમેરાએ કૂતુહૂલ સર્જ્યું, એરસ્ટ્રાઈકે ઉત્સાહ બેવડયો, જિલ્લામાં પણ અંધારપટ

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં સિવિલ ડીફેન્સના ભાગરૂપે અર્ધો કલાકનું બ્લેક આઉટ અપાયું હતું. જેમાં લોકોએ સ્વયંભૂ સજ્જડ ઈલેક્ટ્રીક લાઈટોના ઉપકરણો બંધ રાખી બ્લેક આઉટના અભ્યાસને સફળ બનાવ્યો હતો. જો કે, વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ રહેતા લોકોમાં કચવાટ પણ સાંભળવા મળ્યો હતો.

કેન્દ્રના ગૃહ વિભાગે ઓપરેશન અભ્યાસ સિવિલ ડીફેન્સ મોકડ્રિલ માટે જારી કરેલા નિર્દેશ મુજબ ભાવનગર શહેરમાં આજે બુધવારે સાંજે ૭-૪૫ કલાકે શહેરના વાઘાવાડી, ઘોઘાસર્કલ, ક.પરા, કુંભારવાડા, ચિત્રા ફુલસર, ૧૨ નંબરનું બસ સ્ટેન્ડ, રૂપમ ચોક, વિરાણી સર્કલ, સુભાષનગર ચોક, હિલપાર્ક ચોકડી, મિલેટ્રી સોસાયટી, માધવ દર્શન, તળાજા જકાતનાકા સહિતના વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગના વાહનો મારફત બે મિનિટ સાયરન વગાડવામાં આવ્યું હતું. લોકો સાયરન અને સમય જોઈને પોતાના રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ બિલ્ડીંગ, ઓફિસોમાં લાઈટો બંધ કરી સજ્જડ બ્લેક આઉટમાં જોડાયા હતા. ત્યારબાદ રાત્રે ૮-૧૫ કલાકે ફરી એક મિનિટનું સાયરન વાગતા તેમજ સ્ટ્રીટલાઈટો શરૂ થતાં ઈલેક્ટ્રીક લાઈટના ઉપકરણો ફરી શરૂ કરી દીધા હતા. બ્લેક આઉટ દરમિયાન આકાશમાં ઉડતા ડ્રોન કેમેરાએ લોકોને કૂતુહૂલથી જોઈ તરેહ-તરેહની ચર્ચાઓ કરતા સાંભળવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પહલગામનો બદલો લેવા ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસી કરેલી એરસ્ટ્રાઈકથી દરેક ભાવનગરીઓનો સવારથી જ જુસ્સો સાતમા આસમાને હોય, બેવડાયેલા ઉત્સાહ સાથે શહેરીજનો બ્લેક આઉટની કવાયતમાં જોડાયા હતા. શહેર ઉપરાંત જિલ્લામાં પણ તાલુકા કક્ષા, ગામડે-ગામ લોકોએ સ્વૈચ્છિક અંધારપટ કરી દીધો હતો. વધુમાં બ્લેક આઉટ દરમિયાન વાહન વ્યવહાર થંભાવી રાખવાની કરાયેલી અપીલ નિષ્ફળ રહી હતી. લોકો બિનજરૂરી પણ વાહનો લઈને રસ્તાઓ પર નીકળતા જોવા મળ્યા હતા.

મોકડ્રિલ : તગડીમાં મિસાઈલ હુમલો, 2 ના મોત, 21 ને ઈજા

ઘોઘા તાલુકાના તગડી ગામે આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. ઉપર દુશ્મન દેશ દ્વારા મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા આયોજીત એરસ્ટ્રાઈકની મોકડ્રિલમાં મિસાઈલના ધમાકાનો અવાજ થતાં સાયરનથી લોકોને સાવચેત કરી કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ, ફાયર, વહીવટી તંત્રના અધિકારીઓ, ભાવનગર રેલવેની સિવિલ ડીફેન્સની ટીમ વગેરેએ તાબડતોડ સ્થળ પર દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી ચાર ગંભીર સહિત ૨૧ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. મિસાઈલ હુમલામાં બે વ્યક્તિના મોત થયાની મોકડ્રિલ કરાઈ હતી. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં માસ કેઝ્યુલ્ટીની ડ્રિલ થઈ હતી. જેમાં મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફ વધારી એરસ્ટ્રાઈકમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અપાઈ હતી. જ્યારે ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન પર કેરેજ એન્ડ વર્કશોપ, પ્લેટફોર્મ નં.૧ પર રેલ કર્મી, રેલ મુસાફરોને કટોકટીની પરિસ્થિત, હવાઈ હુમલા અને બ્લેક આઉટ દરમિયાન લેવાતી સાવચેતી અંગે માહિતગાર કરાયા હતા.

Tags :