સિહોર : ખનિજના ગેરકાયદે ખનન બદલ 1.35 કરોડનો મુદ્દામાલ સીઝ
- ઘાંઘળી અને નેસડા ગામે ખાણ ખનિજ વિભાગ ત્રાટક્યું
- વરતેજ પોલીસ સ્ટેશન સામેથી ગેરકાયદે ખનિજ વહન કરતું ડમ્પર ઝડપાયું : એક જેસીબી અને 4 ડમ્પર પોલીસને સુપ્રત
આ અંગેની સત્તાવાર સાધનો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર સિહોર તાલુકાના ઘાંઘળી ગામે ગેરકાયદેસર સાદી માટી ખનિજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભાવનગરની ભૂસ્તરશા કચેરીની તપાસ ટીમ દ્વારા આજે ઘાંઘળીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સવાલવાળા વિસ્તારમાં સાદી માટી ખનીજ ખનન કરવા માટેનું પીળા કલરનું જેસીબી મશીન નં. જીજે-૨૧-ક્યુક્યુ-૩૨૬૭ તેમજ ડમ્પર નં. જીજે-૦૬-એટી-૫૩૬૦ (ખાલી હાલતમાં જોવા મળેલ.). જે જેસીબીના ડ્રાઇવર ઝાકિરખાન જુમાભાઈ દ્વારા ગેરકાયદેસર સાદી માટી ખનીજ પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાને આવેલ. સદર વિસ્તારમાંથી કુલ રૂા. ૪૫ લાખનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો હતો અને સિહોર પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં, આજની આ તપાસ દરમિયાન નેસડા ગામથી સાદી માટી/મોરમ ખનિજના ગેરકાયદેસર વહન બદલ વાહન ડમ્પર નં. જીજે-૦૪-એટી-૮૬૪૧ અને ડમ્પર નં.જીજે-૦૪-એટી-૯૯૮૫ જે સદર વિસ્તારમાં ૬૫ લાખનો મુદામાલ જપ્ત કરી સિહોર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવેલ છે.
દરમિયાનમાં, આજે તપાસ દરમિયાન વરતેજ પોલીસ સ્ટેશન સામેથી બ્લેકટ્રેપ ખનિજના ગેરકાયદેસર વહન કરવા બદલ ડમ્પર નં. જીજે-૦૪-એક્સ-૮૮૨૨ની અટકાયત કરી કુલ રૂા. ૨૫ લાખનો મુદામાલ જપ્ત કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યો છે. આમ, આજની આ તપાસ દરમિયાન કુલ પાંચ વાહનો સહિત રૂા. ૧.૩૫ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે.