સિહોર : વોર્ડ નં.1થી 5ને શુદ્ધ અને વોર્ડ નં.6થી 9ને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ
પાણી સપ્લાયમાં ન.પા. તંત્ર અને સત્તાધિશોની ભેદભાવની નીતિ સામે જનતામાં રોષ
ફિલ્ટર પ્લાન માત્ર કાગળ પર જ પૂરો કાર્યરત, વાસ્તવમાં શોભાના ગાંઠિયા સમાન, દરેક નાગરિકને એકસમાન શુદ્ધ પાણી આપવા વિપક્ષના નેતાની માંગ
સિહોરમાં વોર્ડ નં.૬થી ૯ના વિસ્તારોને તળાવમાંથી પાણી સપ્લાય થાય છે. આ પાણી દુર્ગંધયુક્ત હોવાથી પીવા લાયક મળતું ન હોવાની રહિશોની અવાર-નવાર ફરિયાદો સામે આવતા નગરપાલિકાના વિપક્ષના નેતાએ ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ સ્થળ તપાસ કરતા હકીકત અલગ જ જોવા મળી હતી. ચીફ ઓફિસરની સૂચનાથી પાણીમાં ક્લોરીન અને બ્લીચિંગ પાઉડર નાંખવામાં તો આવે છે. પરંતુ વ્યવસ્થિત મિશ્રણના સાધનોનો બંધ હાલતમાં પડયા છે. આથી પાણીમાં જરૂરી એવી શુદ્ધતા પ્રાપ્ત થતી નથી. ઉપરાંત ફિલ્ટર પ્લાન્ટમાં સફાઈના અભાવે મોટા પ્રમાણમાં લીલ જામી જતાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે. પાણીના શુદ્ધિકરણના અંતિમ તબક્કામાં જ્યાં પાણીને ગાળવામાં અવો છે, ત્યાં ઘનકચરો અલગ પાડવાની રેતીના જથ્થાને ઘણા વર્ષોથી બદલવામાં આવી નથી. આ કારણે કચરાના ગંજ ખડકાયા છે.
વોર્ડ નં.૬થી૯ના વિસ્તારોને જે ટાંકામાંથી પાણી અપાઈ છે, ત્યાં વારાફરતી બે મોટરનું આયોજન હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી અહીં એક જ મોટરથી પાણી પૂરૂ પાડવામાં આવે છે. જેના કારણે જો ઈલે. મોટરમાં ખોટકો આવે તો પાણી સપ્લાય અટકી પડે તેમ છે. તળાવનું પાણી જ્યાંથી લેવામાં આવે છે, ત્યાં મોટા પ્રમાણમાં જૈવિક અને પ્લાસ્ટિકનો કચરો એકઠો થતાં ગંદકી જોવા મળે છે. આમ, ફિલ્ટર પ્લાન્ટ માત્ર કાગળ ઉપર જ પૂરી રીતે કાર્યરત છે, વાસ્તવમાં ફિલ્ટર પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોય, જેના કારણે સિહોરના લોકોને પીવા લાયક પાણી મળી શકતું નથી. વધુમાં વોર્ડ નં.૧થી ૫ને અલગ અને વોર્ડ નં.૬થી ૯ને અલગ પાણી આપવાના બદલે વ્હાલા-દવલાની નીતિ છોડી દરેક નાગરિકોને એકસમાન યોગ્ય ગુણવત્તાયુક્ત શુદ્ધ પાણી પૂરૂં પાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિપક્ષના નેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી માંગણી ઉચ્ચારી છે.