સિહોર : 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ

- તત્કાલિન કેન્દ્રીય નાણાંમંત્રી મોરારજી દેસાઈએ ઉદ્ઘાટન કર્યું હતું
- પૂરતી સુવિધા ન હોવા છતાં ટાઉન હોલ ભાડે આપી નગરપાલિકાને રોકડી કરવામાં જ રસ
સિહોરમાં રૂા.૮૩,૩૭૫ રૂપિયાના દાતાઓના આર્થિક યોગદાનથી નાગરિક સભા ગૃહનું નિર્માણ કરી તત્કાલિન કેન્દ્રીય નાણાંમંત્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે ગત ૨૭મી ડિસેમ્બર ૧૯૬૦ના રોજ ઉદ્ઘાટન કરાયું હતું. જનતાની સુવિધા અને સરકારી તંત્રને આવકનો નવો સ્ત્રોત મળી રહે તે હેતું સાથે બનાવવામાં આવેલા ટાઉનહોલ (નાગરિક સભા ગૃહ)ને નગરપાલિકા તંત્રની આળસનો લુણો લાગ્યો છે. ફાયર સેફ્ટી, ખુરશીઓ, લાઈટની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવા છતાં પણ ન.પા.ને માત્ર રોકડી કરવામાં જ રસ હોય તેમ જાદુગરના કાર્યક્રમો માટે ટાઉનહોલ ભાડે આપવામાં આવ્યો છે. જાદુગરનો શો બંધ બારણે થતો હોય, જો કોઈ શોર્ટ સર્કિટ કે આગની ઘટના બને તો બાળકો, મહિલાઓ અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ તેમ છે. જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને વાંધા અરજી પણ અપાઈ છે. ત્યારે વર્ષે લાખો રૂપિયાની આવક કરી આપતા ટાઉનહોલમાં ખૂંટતી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરી બાદમાં જ ટાઉનહોલને ભાડે આપવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.








