Gujarat

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર

By GS TEAM
4 Nov 20252 mins read
રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર

વડોદરા : વડોદરા-ડભોઈ રોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલી સીમા જયસ્વાલે જામીન અરજી મૂકતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

વડોદરા નજીક રતનપુર ગામમાં રહેતા રાકેશ ઉર્ફે લાલો રજનીકાન્ત જયસ્વાલ, હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાન્ત જયસ્વાલ, સચિન રાકેશ જયસ્વાલ, સીમાબેન રાકેશ જયસ્વાલ અને રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારીયાની ગેંગ છેલ્લા ઘણા સમયથી દારૃના ધંધા સાથે સંકળાયેલી હતી. આ ગેંગ સામે દારૃ જુગાર ઉપરાંત હથિયારથી હુમલો, ખૂનનો પ્રયાસ, ખોટા દસ્તાવેજ બનાવવા, સરકારી સંપત્તિને નૂકસાન પહોંચાડવું, રાયોટિંગ સહિતના ૩૩ ગુનાઓ નોંધાયેલા હોઈ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીની ધરપકડ કર્યા બાદ હાલ જેલમાં રહેલી આરોપી સીમા જયસ્વાલે જામીન અરજી મૂકતાં તેની સુનાવણીમાં સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, અરજદાર સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તપાસમાં કેલનપુર ગામની સીમમાં પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ છે તે જમીનની સંયુક્ત માલિકી સીમા જયસ્વાલ અને કવીતાના નામે છે. પેટ્રોલ પંપનું એકાઉન્ટ આણંદમાં ખોલવામાં આવ્યું છે.

તપાસમાં વાટ્સઅપ ચટમાં સોના ચાંદીના દાગીના અને લગડીના ફોટા મળી આવ્યા છે. ૧૨થી વધુ બન્કમાં બન્ક એકાઉન્ટની વિગતો માંગવામાં આવી છે. વિવિધ સરકારી કચેરી તેમજ રેવન્યુ કચેરીમાં પણ મિલકત અંગેની વિગતો માંગવામાં આવી છે. જો જામીન આપવામાં આવશે તો કેસને નૂકસાન થશે. ન્યાયાધીશે અરજદાર સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર કરી હતી.