બીજ વગરના ટામેટા ઉગાડ્યાં, ગુજરાતની જાણીતી યુનિવર્સિટીના સંશોધકોની કમાલ, ખેતરમાં પ્રયોગ બાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના સંશોધકોએ બીયા વગરના ટામેટા ઉગાડવાની નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. સરકારના સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બોર્ડના એક પ્રોજેકટના ભાગરુપે બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.સુનિલ સિંઘના માર્ગદર્શન હેઠળ મૈત્રી ત્રિવેદી, ક્રિશ્ના ટંડેલ અને પાર્થવી જોષીએ ઉપરોકત સંશોધન હાથ ધર્યું હતું.
તેમનું કહેવું છે કે, અમે ટામેટાના છોડના કેટલાક એવા જીન્સ( જનીન)ની ઓળખ કરી છે જે ટામેટાના છોડના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.આ પૈકીના એક જનીનને નિયંત્રિત કરવામાં અમને સફળતા મળી છે. જેના કારણે બીયા વગરના ટામેટા ઉગાડી શકાયા છે. આ ટામેટા અત્યારે વેચાતા ટામેટા કરતા વધારે સમય માટે બગડયા વગર રહી શકે છે.સાથે-સાથે ટામેટાના છોડનું અને તેના પાનનું આયુષ્ય પણ વધારી શકાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
સંશોધકોના કહેવા અનુસાર આ જનીન વધારે ગરમીમાં અને દુકાળ જેવી સ્થિતિમાં પાણી ઓછુ મળે તો પણ ટામેટાના છોડને ટકી રહેવા માટે મદદ કરી શકે છે. આમ હવામાનમાં થઈ રહેલા બદલાવ વચ્ચે પણ આ પ્રકારના ટામેટાના છોડ પોતાનું અસ્તિત્વ જાળવી શકશે.
પ્રોફેસર સિંઘનું કહેવું છે કે, અન્ય કૃષિ પેદાશોમાં પણ આ પ્રકારના જનીનમાં બદલાવ કરીને તેને બદલાતા હવામાનને અનુકુળ બનાવી શકાય કે નહીં તેની શક્યતાઓ ચકાસવાની જરુર છે. જો તેમાં સફળતા મળે તો ક્લાઈમેટ ચેન્જના કારણે ફૂડ સિકયુરિટી પર ઉભા થનારા ખતરાનો મુકાબલો કરી શકાશે.
અન્ય ફળો અને શાકભાજી માટે પણ આ ટેકનિકનો ઉપયોગ કરી શકાય તેમ છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે બીયા વગરના દ્રાક્ષ, નારંગી અને કેળા તો ઘણા સમયથી ઉગાડવામાં આવે છે. કેટલાક પ્લાન્ટસ એવા છે જેમાં બીયા વગરના ફળ કુદરતી રીતે ઉગી શકે છે.જોકે એ સિવાય બીયા વગરના ફળ કે શાકભાજી ઉગાડવાની અન્ય કૃત્રિમ પદ્ધતિઓ સમય માંગી લે તેવી અને ઘણી વખત બિન અસરકારક સાબિત થતી હોય છે.જ્યારે અમારી ટેકનિક અન્ય કૃષિ પેદાશો કે ફળોમાં સફળ થાય તેવી સંભાવના વધારે છે.અમે જે ટામેટા ઉગાડયા છે તે હાલ તો લેબોરેટરી પૂરતી સિમિત છે.તેને ખેતરમાં ઉગાડવાના અખતરા કરવાના બાકી છે.જેના માટે કેટલીક સરકારી મંજૂરીઓની પણ જરુર પડી શકે છે.








