એરપોર્ટ સ્ટાફ કોલોનીમાં CISF ની બસને નો એન્ટ્રીનો ફતવો : કચરાના ગંજ, અપૂરતી સિક્યુરિટી, જીવ-જંતુઓ, આગજની જેવી ત્રૂટીઓ બાદ હવે ક્ષુલ્લક કારણસર જવાનોને પણ હેરાનગતિ
રાજકોટ, : અબજો રૂપિયાની જમીનમાં પથરાયેલાં રાજકોટનાં જૂના એરપોર્ટની જગ્યાના શંકાપ્રેરક ભાવિની જેમ તેનો વર્તમાન પણ વિવાદાસ્પદ બનતો ચાલ્યો છે. અહીં ગંદકી, જીવ-જંતુઓના ઉપદ્રવ, આગજની, આસપાસ ખડકાવા લાગેલી બહુમાળી ઈમારત જેવી ત્રૂટીઓ બાદ હવે પ્રસંગોપાત મહાનુભાવોનાં વિમાન જ્યાં ઉતરાણ કરે છે એ રન- વે નજીકની દીવાલ તોડી પાડવાની જોખમી તજવીજ પણ ચર્ચાસ્પદ બની છે.
રેસકોર્સ નજીકની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ની સ્ટાફ કોલોનીમાં જ એએઆઈના સ્ટાફ ઉપરાંત સીઆઈએસએફ સ્ટાફનો પણ વસવાટ છે. અઢી- સો જેટલા એ જવાનોને શિફ્ટ ડયુટી પ્રમાણે સુરક્ષા બંદોબસ્ત માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) મુકવા અને પરત લાવવા માટે જે બસો કોલોનીમાં આવતી- જતી રહે છે તેના થકી કોલોનીમાં રહેવાસીઓને ખલેલ પહોંચતી હોવાનો અને બાળકો પર જોખમ રહેતું હોવાનો તર્ક રજૂ કરીને એક કાર્યાલય આદેશ બહાર પાડી ૨૬મી ફેબુ્રઆરીથી આ બસોને કોલોનીમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવી દઈ બસો યા તો બહાર અથવા જૂના એરપોર્ટનાં પાર્કિંગમાં રાખી મુકવા તેમજ સ્ટાફને ત્યાં સુધી પગપાળા જવા- આવવા આદેશ કરાયો છે. આ સૂચના અસ્થાને અને ગેરવ્યાજબી હોવાનું કહીને સીઆઈએસએફની પ્રતિ દલીલ એવી રહી કે બે- અઢી વર્ષથી બસો નિયંત્રિતપણે જ ચલાવાય છે, કોલોનીમાં અકસ્માતનો કોઈ બનાવ નથી બન્યો, કોઈની ફરિયાદ પણ નથી આવી, જવાનોને નવા એરપોર્ટ પર સમયસર લાવવા- મુકવા માટે બસ આવશ્યક છે, કોલોનીવાસીઓનાં વ્યક્તિગત ફોર વ્હીલર્સ કોલોનીમાં આવતા-જતા રહે જ છે અને સીઆઈએસએફ સ્ટાફ બસ બહાર જાહેર માર્ગ પર પાર્ક કરી રાખવાનું સુરક્ષાની દ્રષ્ટિએ બરાબર નથી.
આમ છતાં, હવે વિકલ્પે જૂના એરપોર્ટનો ગેઈટ નંબર- 6 ખોલાવીને પાર્કિંગ નજીકની દીવાલ તોડાવી રન- વે પાસેથી બસોને નીકળવા દેવાની વ્યવસ્થા થવા જઈ રહી હોવાનું કહેવાય છે. અત્રે નોંધનીય છે કે એ ગેઈટ પર જીઆઈએસએફનો કે સ્થાનિક પોલીસનો પૂરતો સિક્યુરિટી પ્રબંધ નથી હોતો તેથી ખતરો નકારી શકાતો નથી પરંતુ જવાબદાર અધિકારીઓને એની પણ કોઈ દરકાર નથી એવો કચવાટ ફેલાયો છે.


