Gujarat

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું

By GS TEAM
26 May 20261 min read
સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પગારમાં વિલંબના કારણે સોમવારની રાત્રે સિક્યુરિટી જવાનો હડતાળ પર ઉતરી જતા આખી રાત કેમ્પસ રેઢુ પડી રહ્યું હોવાની જાણકારી સામે આવી છે.

મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશો દર વર્ષે સિક્યુરિટી પાછળ લગભગ ચાર કરોડ રુપિયાનો ખર્ચ કરે છે.આ વખતે ફાલ્કન સિક્યુરિટી, સલામત સિક્યુરિટી અને ઈન્ડિયન આર્મર સિક્યુરિટી એમ ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.આ પૈકી નાઈટ શિફટમાં ફરજ બજાવવા માટે તૈનાત કરાયેલા એક એજન્સીના ૪૦ જેટલા સિક્યુરિટી કર્મચારીઓ પગારમાં વિલંબ થવાના કારણે કોઈને પણ જાણ કર્યા વગર હડતાળ પર ઉતરી ગયા હતા.આમ આખી રાત કેમ્પસના એક પણ પ્રવેશ દ્વાર પર કે એક પણ પોઈન્ટ પર સિક્યુરિટી જવાન જોવા મળ્યા નહોતા અને ખુદ યુનિવર્સિટી સત્તાધીશોને પણ આ બાબતની સવારે જ જાણ થઈ હતી.

એવું કહેવાય છે કે, સત્તાધીશોએ રકમ ચૂકવવામાં કરેલા વિલંબના કારણે પગાર કરવામાં મોડુ થયું હતું.જોકે સિક્યુરિટી જવાનોના શોષણની બીજી પણ ફરિયાદો ઉઠી રહી છે.યુનિવર્સિટી દ્વારા વર્ષે, બે વર્ષે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવે છે પણ સુરક્ષામાં પોલમપોલ યથાવત છે.