વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓને આ મહિનાનો પગાર હજી સુધી નહીં મળ્યો હોવાથી આ કર્મચારીઓએ સત્તાધીશોનું ધ્યાન ખેંચવા માટે હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેક્સ સિક્યુરિટી કંપની નામની એજન્સી પાસે છે.આ એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, દર મહિને પગાર આપવામાં ધાંધિયા કરવામાં આવે છે.આ મહિને તો હજી સુધી પગાર મળ્યો નથી.જેના કારણે અમારે ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.ઉપરાંત અમારુ પ્રોવિડન્ટ ફંડ પણ જમા થાય છે કે નહીં તેની અમને ખબર નથી.સુપરવાઈઝરને અમે પગાર માટે વાત કરી તો તેમણે જવાબ આપ્યો હતો કે, બેન્કમાં સમસ્યા હોવાથી પગાર કરવામાં વિલંબ થયો છે.જો આજે રાત સુધીમાં અમારો પગાર જમા નહીં થાય તો કાલથી કોઈ પણ સિક્યુરિટી કર્મચારી ફરજ નહીંં બજાવે.
ઉલ્લેખનીય છે કે, સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ કેટલાય વખતથી ફરિયાદો કરી રહ્યા છે પણ વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રારના પેટનું પાણી હલતું નથી.


