વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી કર્મચારીઓ મહિનો વીતવા છતાં વેતનથી વંચિત
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવતા સીક્યુરીટી ગાર્ડનું શોષણ થતું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. તેવામાં ફરી એક વખત મહિનો વીતવા છતાં કર્મચારીઓના વેતન ન થતા સીક્યુરીટી એજન્સીના સંચાલકો સામે સવાલો ઉઠ્યા છે. આવું પહેલીવાર નથી થયું આ સમસ્યા સીક્યુરીટી ગાર્ડ માટે સામાન્ય બની છે. પરંતુ, ઇજારદાર બીલો પાસ થયા નથી તેવી છટકબારી શોધી કાઢે છે. તો, સત્તાધીશો પણ આ બાબતે જરૂરી કાર્યવાહી ન કરતા એજન્સીઓને છુટ્ટો મળી રહ્યો છે. સમયસર વેતન ન મળવાથી સીક્યુરીટી ગાર્ડ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
વડોદરા કોર્પોરેશનમાં વિવિધ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકાના સીક્યુરીટી શાખા દ્વારા જવાનો (સીક્યુરીટી) તૈનાત કરવામાં આવે છે અને તેનો ઇજારો આપવામાં આવે છે. મહાનગરપાલિકામાં આવતા રસ્તા, કચેરીઓ, તળાવો, બગીચાઓ, વોર્ડ ઓફીસો વિગેરેમાં અલગ અલગ સીક્યુરીટી એજન્સી દ્વારા સીક્યુરીટી જવાનો કોન્ટ્રાક્ટ બેઝ પર મુકવામાં આવ્યા છે. તાજેતરમાં તેઓનાં મહીનાનો અપાતો પગારમાં ગેરરીતી આચારવામાં આવી રહી હોવાની બૂમો ઉઠી હતી. સિક્યુરિટી એજન્સી દ્વારા ૩૦ દિવસ હાજરી ભર્યા પછી ફ્ક્ત 26 દિવસનો જ પગાર આપવામાં આવે છે અને મહિનામાં એકપણ વાર રજા આપવામાં આવતી નથી. આવી રજૂઆત ધ્યાને આવ્યા બાદ સીક્યુરીટી એજન્સી તરફથી કર્મચારીઓને તતડાવી આ મામલે ચુપકીદી સાંધવા જણાવ્યું હતું. તેવાંમાં હવે મહિનો વીતી જવા છતાં હજુ સુધી સિક્યુરિટી જવાનોના વેતન ન થતા તેઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. જો તેઓ ફરીયાદ કરે તો તેઓને ધાકધમકીઓ આપવામાં આવે છે કે કાલથી નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે. આમ નોકરી ગુમાવવાના બીકને લીધે બોલાતુ નથી.