સિક્યુરિટીની દાદાગીરી, યુનિ.ના ડી એન હોલ તરફના મુખ્ય ગેટને તાળું મારી દીધું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ડી એન હોલ મેદાન તરફથી કેમ્પસમાં અંદર આવવાના ગેટને આજે સિક્યુરિટી જવાને તાળું મારી દેતા હંગામો મચી ગયો હતો.તેના કારણે સેંકડો લોકો અટવાયા હતા.
એમ.એસ.યુનિવર્સિટીના ડી એન હોલ તરફના ગેટનો ઉપયોગ યુનિવર્સિટીની એક્સપરિમેન્ટ સ્કૂલમાં બાળકોને મૂકવા આવતા વાલીઓ, સવારની બેચમાં અભ્યાસ કરતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, આસપાસ રહેતા અને મોર્નિંગ વોકમાં આવતા અધ્યાપકો પણ કરતા હોય છે.
યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે કહ્યું હતું કે, આજે સવારે મેક સિક્યુરિટી એજન્સીના કર્મચારીએ આ ગેટ બંધ કર્યો હતો અને દાદાગીરીથી કહ્યું હતું કે, અમારો પગાર નહીં થયો હોવાથી ગેટ બંધ કરી દીધો છે અને તમે થાય તે કરી લો.તમારે રજૂઆત કરવી હોય તો યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને કરો.
તેમણે કહ્યું હતું કે, મેક સિક્યુરિટી એજન્સીએ પગાર ના કર્યો હોય તો તે એજન્સી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચેનો વિષય છે.તેના માટે બીજા લોકોને હેરાન કરવામાં આવે તે બાબત ખરેખર ચોંકાવનારી છે.આ મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશોએ સિક્યુરિટી એજન્સી અને ગેટ બંધ કરનાર ગાર્ડ સામે પગલા લેવા જોઈએ.