હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો
વડોદરાઃ હરણી એરફોર્સના પ્રતિબંધિત વિસ્તારમાં ગઇરાતે ઘૂસી આવેલા એક પરપ્રાંતીય યુવકને સુરક્ષા ગાર્ડે દબોચી લઇ તપાસ માટે પોલીસને સોંપ્યો હતો.
હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે એરફોર્સ સ્ટેશનની ઉંચી દીવાલ કૂદીને ગઇ રાતે એક યુવક અંધારામાં ઝાડીઓમાં લપાતો છુપાતો જોવા મળતાં સુરક્ષા ગાર્ડ એલર્ટ થઇ ગયા હતા અને તરત જ તેને દબોચી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં પકડાયેલા યુવકનું નામ રામફલ રાજબીર ધાણક(સિરસા રોડ,તેજા માર્કેટ,બીર,હિસાર,હરિયાણા) હોવાનું ખૂલ્યું હતું.તેની પાસે આધાર કાર્ડ કબજે કરી હરણી પોલીસના પીઆઇ એસવી વસાવાને જાણ કરાતાં તેમણે આરોપીને અટકમાં લઇ પૂછપરછ કરાવી હતી.
જે દરમિયાન રામફલે પોતે ટ્રકનો ક્લિનર હોવાનું અને ત્રણેક દિવસથી અહીં રોકાયા હોવાથી પરત જવા માટે ડ્રાઇવર સાથે ઝઘડો થતાં હુમલો કરીને ભાગ્યો હોવાના ગોળગોળ જવાબ આપ્યા હતા.આ દરમિયાન તેની પાસે સાંકળ પણ હતી.જેથી ગોલ્ડન ચોકડી પાસે રાતે રિક્ષા ચાલકને સ્ટેશન જવાનું પૂછતાં તેણે સાંકળ જોઇને ક્લિનરને હડસેલી દીધો હતો.જેથી તે ગભરાઇને કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર ગયો હતો.
પરંતુ પોલીસ તેની વાત પર ભરોસો રાખતી નથી અને ગુનો નોંધી ધરપકડ કરી છે.તેના આધાર કાર્ડ તેમજ સરનામાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહીછે.