Gujarat

તે મહિલાને બહાર કેમ જવા દીધી કહી સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો

By GS TEAM
27 Jul 20252 mins read
તે મહિલાને બહાર કેમ જવા દીધી કહી સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો

સરગાસણ ખાતે આવેલી શિક્ષાપત્રી સ્કાયલાઈન સોસાયટીમાં

ઘાયલ જવાનને સારવાર માટે ખસેડાયો ઃ અડાલજ પોલીસ દ્વારા શખ્સ સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણની શિક્ષાપત્રી સ્કાય લાઈન વસાહતમાં ગઈકાલે મોડી રાત્રે સિક્યુરિટી જવાનને ધોકાથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

સરગાસણ ખાતે આવેલી શિક્ષાપત્રી સ્કાય લાઈન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવકુમાર શિવપાલસિંહ યાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઇકાલ તેઓ ફરજ ઉપર હાજર હતા ત્યારે એક મહિલા સોસાયટીના ગેટ પરથી દોડતી બહાર નીકળી હતી. જેની પાછળ એક બાળક પણ દોડી રહ્યું હતું. જેથી તેમણે બાળકને ગેટ પર રોકી દીધું હતું. થોડા સમય પછી, ભરતભાઈ રબારી તેમની પાસે આવ્યા હતા અને તેમને પૂછયું હતું કે, તેમણે મહિલાને કેમ રોકી નહીં. ત્યારબાદ ભરતભાઈએ સિક્યુરિટી કેબિન પાસેથી એક લાકડી લીધી હતી અને તેમના પર હુમલો કરવાનું શરૃ કર્યું હતું. તેમને ગાળો આપી અને લાકડી વડે માર માર્યો હતો. જેના પગલે ભરતભાઈના પરિચિત વચ્ચે પડયા હતા અને વધુ મારમાંથી સિક્યુરિટી ગાર્ડને બચાવી લીધો હતો. જોકે જતા જતા તેમણે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ જવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સવારના સમયે સુપરવાઇઝર દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા અને જવાનને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ફ્રેક્ચર હોવાનું નિદાન થતાં સારવાર શરૃ કરવામાં આવી હતી. આ  ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા ભરતભાઈ રબારી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.