Gujarat

ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ

By GS TEAM
15 Apr 20262 mins read
ધંધુકા-ધોલેરામાં સ્ટ્રોંગ રૃમની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા કરાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ

કલેક્ટરે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની રૃબરૃ પરીક્ષણ કરી જરૃરી સૂચનાઓ આપી

ધંધુકા, - ધંધુકા-ધોલેરામાં ચૂંટણીને લઇ સ્ટ્રોંગ રૃમ, ઇવીએમ સુરક્ષા તેમજ સીસીટીવીનું નિરીક્ષણ કરી સમગ્ર પ્રક્રિયાનું કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જરૃર જણાય ત્યાં તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના અપાઇ હતી.

આગામી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીતકુમારે ધંધુકા અને ધોલેરા તાલુકામાં ચાલી રહેલી પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્રની કામગીરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે ઇવીએમ સ્ટ્રોંગ રૃમ તેમજ રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઇવીએમ મશીનોની સલામતી, સીસીટીવી મોનીટરીંગ તથા સીલિંગ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી અને જરૃરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત મતદાન સામગ્રીના સંગ્રહ અને વિતરણની પ્રક્રિયા સુચારૃ રીતે થાય તેની ખાતરી કરવા તંત્રને દિશા-નિર્દેશ આપ્યા હતાં. અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને તમામ કામગીરી ચૂંટણી પંચના માર્ગદર્શિકા મુજબ સમયસર પૂર્ણ થાય તેની ખાતરી કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદારોને સુવિધાજનક રીતે મતદાન કરી શકે તે માટે મતદાન મથકો પર જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર સાથે સંકલન જાળવવા જણાવ્યું હતું.