15 યુવક- યુવતીને લલચાવીને 54 લાખ ખંખેરાયાની લેખિત અરજી : ઉમેદવારોને ન નોકરી મળી ન પૈસા પરત આવ્યા : સિક્યુરિટી એન્ડ મેનપાવર એજન્સીના સંચાલકો સામે આક્ષેપઃ ખૈંઇની તજવીજ કોઈક કહેવાતા અધિકારીએ કહ્યું પણ ખરૂં કે, 'કાલથી નોકરીએ આવી જજો'! માળિયા, રાજકોટ, વ્યારાનાં યુવાજનો ભોગ બન્યાં
જૂનાગઢ, : સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને નોકરીવાંચ્છુઓને ખંખેરનારાઓ બેફામ બન્યા હોવાનું આવા વધુ એક કિસ્સા પરથી ફલિત થાય છે. આ મામલે થયેલી લેખિત ફરિયાદ અરજી સાચી માનીએ તો, માળિયા, રાજકોટ, વ્યારા સહિતના વિસ્તારના 15 જેટલા યુવક યુવતીઓ પાસેથી સચિવાલય, ફૂડ એન્ડ ડ્રગ્સની ઓફિસ અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી જેવાં સ્થળે કેટલાંક ચીટરો દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા. તેઓને ન સરકારી નોકરી મળી કે ન પૈસા પરત મળ્યા. ઉમેદવારોએ સિક્યુરિટી એન્ડ મેન પાવર એજન્સીના સંચાલક સહિતના સામે ફરિયાદ અરજી આપીને પૈસા પરત અપાવવા પોલીસને રજૂઆત કરી છે.
માળિયા હાટીના તાલુકાના સમઢીયાળામાં રહેતા એક યુવાનના મામાના દીકરા પાસેથી રાજેન્દ્રકુમાર નામના શખ્સે સરકારી નોકરી અપાવવા કહી બે લાખ માંગ્યા હતા, જે પેટે ૫૦ હજાર અશોકભાઈ નામના શખ્સને ઓનલાઇન મોકલ્યા હતા. ૪ માર્ચના યુવાન અને તેનો મામાનો દીકરો ગાંધીનગર ગયા હતા, જ્યાં રાજેન્દ્ર કુમારે ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યાલય ખાતે બોલાવ્યા હતા. ત્યાં કોમ્પ્યુટર પર બેસાડી ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને ત્યાંના અધિકારી સાથે ઓળખાણ કરાવી હતી. કાલથી નોકરીએ આવી જજો એમ કહેવામાં આવ્યું હતું. ચેમ્બર બહાર નીકળી બાકીના 1.50 લાખ માંગ્યા હતા. આથી બંને યુવાનોએ રાજેન્દ્રકુમાર નામના શખ્સને દોઢ લાખ આપ્યા હતા. ત્યારબાદ રાજેન્દ્રકુમારે યુવાનને વોટ્સએપ કોલ કરી પૈસા આપી ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં 85,000 પગારથી નોકરી અપાવવા કહી 12.50 લાખ લીધા હતા અને સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં એજન્સીના માધ્યમથી નોકરી અપાવી હતી. આ રીતે રાજેન્દ્રકુમાર અને અન્ય શખ્સોએ માળિયા તાલુકા, રાજકોટ, ધોરાજી વ્યારા સહિતના વિસ્તારના યુવક યુવતીઓ પાસેથી સરકારી નોકરી અપાવી દેવાના નામે સચિવાલય સહિતનાં સરકારી સ્થળોએ પૈસા ખંખેર્યા હતા પરંતુ યુવક યુવતીઓને કાયમી નોકરી મળી ન હતી.
કુલ 15 ઉમેદવારો પાસેથી કુલ 54.69 લાખ રૂપિયા પડાવ્યા હતા, જે પરત ન મળતા આ પૈસા પરત અપાવવા અંગે પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.


