Get The App

વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી

ગેટમાં શિક્ષકની લાશનો હાથ ફસાઇ ગયો હતો ઃ પોણા કલાકની જહેમત બાદ લાશ બહાર કઢાઇ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના શિક્ષકની લાશ ડૂબ્યાના ચોથા દિવસે કેનાલના ગેટ પાસે મળી 1 - image

કાલોલ તા.૭ વડોદરા-હાલોલ સ્ટેટ હાઇવે પર ખંડીવાડા પાસેની નર્મદા કેનાલમાં રવિવારે તણાઇ ગયેલા વડોદરાના બે શિક્ષકો પૈકી બીજા શિક્ષકની લાશ પણ કણેટીયા ગેટ પાસેથી આજે મળી  હતી.

વડોદરાના ચાર શિક્ષક મિત્રો ગત રવિવારની રજાના દિવસે પાવાગઢ દર્શન કરવા માટે નિકળ્યા હતા અને પાવાગઢથી પરત ફરતા હાલોલથી વડોદરા જતાં વચ્ચે ખંડીવાડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે રોકાયા હતા. એ સમયે ચારેય મિત્રોએ કેનાલ પાસે કાર ઉભી રાખીને હાથ પગ ધોવાનું નક્કી કર્યુ હતું. 

આ સમયે અશિત કારમાં બેસી રહ્યો હતો જ્યારે બીજા ત્રણ મિત્રો કેનાલની પાળે બેઠા હતા. થોડા સમય પછી રાહુલ પગ ધોવા માટે કેનાલમાં ઉતર્યો હતો અને તે દરમિયાન તેનો પગ લપસતા રાહુલ તણાવા લાગ્યો હતો. જેથી રાહુલને બચાવવા માટે શુભમે પણ કેનાલમાં ઝંપલાવી દીધું હતું જોકે દુર્ભાગ્યે પાણીના જોશીલા પ્રવાહમાં બન્ને તણાઈ ગયા હતા. 

ઘટનાના બે દિવસ બાદ ગઇકાલે બપોરે કાલોલ તાલુકાના સમા -ડેરોલ વચ્ચેની નર્મદા કેનાલના પુલ પાસેથી રાહુલ વિરેન્દ્ર યાદવની લાશ મળી હતી, જ્યારે બીજા દિવસે આજે સવારે કણેટીયા ગેટ પાસેથી શુભમ પાઠકની લાશ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગેટ પાસે મૃતક શિક્ષકનો હાથ ફસાઇ ગયો હતો જેથી ગેટને ખોલીને લાશ બહાર કાઢવાની ફરજ પડી હતી. પોણા કલાકની ભારે જહેમત બાદ લાશને કાઢી પીએમ કર્યા બાદ પરિવારજનોને સોંપાઇ હતી.