માવઠાંનો બીજો રાઉન્ડ : જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી
- દિવસના તાપમાનમાં ઘટાડો, રાતનું તાપમાન 28 ડિગ્રીને પાર
- 23 અને 24 મીએ ભારે વરસાદ, ૨૫મીએ વાવાઝોડા-વીજળી સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે
મધ્ય મહારાષ્ટ્રના દરિયામાં ઉદ્ભવેલા ચક્રવાત પરિભ્રમણને કારણે ભાવનગર જિલ્લામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ૨૨મીએ વીજળીના કડાકા અને ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મિનિ વાવાઝોડા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. ૨૩ અને ૨૪મી મેના રોજ ભારે વરસાદ તેમજ ૨૫મીએ વાવાઝોડા-વીજળી સાથે જિલ્લામાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
વધુમાં આજે સપ્તાહના આરંભે ગરમીમાં આંશિક રાહત મળી હતી. જેના કારણે મહત્તમ તાપમાન ૦.૮ ડિગ્રી ઘટીને ૩૮.૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા, જ્યારે ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. રાત્રિના સમયે ગરમી અને બફારાનું પ્રમાણ વધું રહેતા લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી વધીને ૨૮.૬ ડિગ્રીને આંબી ગયું હતું.