Get The App

કોમર્સમાં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 57.33 ટકાએ પ્રવેશ અટકયો

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કોમર્સમાં પ્રવેશના બીજા રાઉન્ડ બાદ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 57.33 ટકાએ પ્રવેશ અટકયો 1 - image

વડોદરાઃ જીકાસ પોર્ટલ અંતગર્ત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછીની પ્રવેશ કાર્યવાહીનો બીજો રાઉન્ડ શરુ થયો છે.એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ યાદી બહાર પાડી દેવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી ૧૧૦૦ બેઠકોની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ અને પાદરા કોલેજ ખાતે જ પ્રવેશ આપવામાં આવ્યો છે.મેઈન બિલ્ડિંગ અને  ગર્લ્સ કોલેજમાં એક પણ બેઠક પહેલા રાઉન્ડ બાદ ખાલી નહીં પડી હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે.

બીજા રાઉન્ડમાં જનરલ એજ્યુકેશન બિલ્ડિંગમાં જનરલ કેટેગરીમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૫૮.૨૭ ટકા અને વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે ૮૦.૬૦ ટકાએ પ્રવેશ અટકયો છે.જ્યારે પાદરા કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૫૭.૩૩ ટકા અને વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે ૭૯.૫૭ ટકાએ પ્રવેશ અટકયો છે.આમ બીજા રાઉન્ડના અંતે ૫૭ ટકાથી નીચેના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે.આવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૦૦૦ જેટલી  હોવાનું અનુમાન છે.જેના કારણે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે બેઠકો વધારવામાં આવે તેવી માંગણી પણ  પ્રબળ બની રહી છે.પ્રવેશના બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને તા.૩ અને ૪ જૂન એમ બે દિવસ ફી ભરવા માટે આપવામાં આવ્યા છે.ખાલી બેઠકો પર પ્રવેશનો ત્રીજો રાઉન્ડ તા.૬ થી ૯ જૂન દરમિયાન યોજાશે.

માંડ ૪૦૦ વિદ્યાર્થીઓએ ફી ભરી હોવાથી 

સાયન્સમાં પહેલા રાઉન્ડની ફી ભરવાની તારીખ લંબાવાઈ 

બીજા રાઉન્ડની પ્રવેશ યાદી જાહેર, ફોર્મ ભરનારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે તેવી સ્થિતિ 

સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશની બીજી યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.જેમાં ફોર્મ ભરનારા તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગમાં પ્રવેશ મળી શકે તેમ લાગી રહ્યું છે.

સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કલમકરે કહ્યું હતું કે,પહેલા રાઉન્ડના અંતે સાયન્સ ફેકલ્ટીની ગ્રાન્ટ ઈન એઈડ અને હાયર પેમેન્ટ મળીને ૧૫૦૦ બેઠકોમાંથી ૪૦૦ જ બેઠકો પર વિદ્યાર્થીઓએ ફી ભરી હતી.આટલી મોટી સંખ્યામાં બેઠકો બાકી હોવાથી પહેલા રાઉન્ડમાં પ્રવેશ માટે ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓ માટે ફી ભરવાની સમય મર્યાદા તા.૪ સુધી લંબાવવામાં આવી છે.એ પછી આગળના રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે, એક વખત એક કોર્સમાં પ્રવેશ લીધા બાદ બીજા રાઉન્ડમાં અન્ય કોર્સમાં પ્રવેશ નહીં મળે અને તેના કારણે વિદ્યાર્થીઓ ફી ભરવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય તેમ લાગે છે.પરંતુ એવું નથી. વિદ્યાર્થી એક કોર્સમાં પ્રવેશ લેશે અને પહેલા રાઉન્ડ બાદ અન્ય કોર્સમાં બેઠકો ખાલી હશે અને મેરિટ પ્રમાણે જો વિદ્યાર્થી એ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થતો હશે તો તેને પ્રવેશ મળી શકશે.

વિદ્યાર્થીઓનું થેલેસેમિયા ટેસ્ટિંગ શરુ કરાયું 

એફવાયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું થેલેસેમિયા ટેસ્ટિંગ પણ રેડક્રોસ સોસાયટીની મદદથી શરુ કરવામાં આવ્યું છે.એમ.એસ.યુનિવર્સિટી દર વર્ષે એફવાયના વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાવે છે.આ માટે વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ૧૫૦ રુપિયા ફી લેવામાં આવે છે. વિદ્યાર્થી સંગઠને માગ કરી છે કે, વિદ્યાર્થીઓને ટેસ્ટિંગ માટે ડિજિટલ પેમેન્ટની સગવડ આપવામાં આવે.અત્યારે આ સગવડના અભાવે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે.

કોમર્સ ફેકલ્ટીમાં રિશફલિંગ અંગે અટકળો

કોમર્સ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડ કરતા બીજા રાઉન્ડમાં સ્વાભાવિક રીતે પ્રવેશની ટકાવારી નીચે ગઈ છે.આ સંજોગોમાં પહેલા રાઉન્ડમાં પાદરા કોલેજમાં પ્રવેશ મેળવનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓનું રિફશલિંગ કરીને તેમને વડોદરાના યુનિટ પર  પ્રવેશ અપાશે કે કેમ તેની અટકળો થઈ રહી છે.કારણકે બીજા રાઉન્ડ બાદ  જનરલ એજ્યુકેશન બિલ્ડિંગમાં પ્રવેશની ટકાવારી નીચે રહી છે.જોકે આ બાબતે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. જે કે પંડયાનો સંપર્ક થઈ શક્યો નહોતો.


Tags :