વડોદરા મંડળ પર મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બીજી બેઠક મળી
વિવિધ રેલ્વે સ્ટેશનોની સમસ્યા અંગે રજૂઆત કરાઈ
વડોદરા મંડળ પર મંડલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની આજે મળેલ બીજી બેઠકમાં હાજર સભ્યોએ પોત પોતાના ક્ષેત્ર સંબંધિત યાત્રી સુવિધાઓને વધારવા, રેલવે સંબંધી સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂ કરેલ તેમની યોગ્ય માગણી પર મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ તેમની યોગ્ય માંગણીઓ પર ઝડપી કામગીરી કરવાનું જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની દ્વિતીય બેઠક યોજાઈ હતી. શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્ર કુમારે તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. સમિતિના અધ્યક્ષ અને વડોદરા મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા સંક્ષિપ્ત પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ સભ્યોને મંડળની પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોથી વાકેફ કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યો દ્વારા રેલ્વે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, નવી પરિયોજનાઓ અંગે તથા વધુ સારી સુવિધાઓ મુસાફરોને મળે તે માટે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. રાજુ ભડકેએ સભ્યોના સૂચનો પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાઓ વડોદરા મંડળની ટોચની પ્રાથમિકતા છે. આ બેઠકમાં સ્મિતાના સભ્યો તથા વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.