રેલવેના કથિત સ્ક્રેપ કૌભાંડમાં સતત બીજા દિવસે તપાસ
મકરપુરા પોલીસ રેલવેના રિપોર્ટની રાહ જોઇ રહી છે
પ્રતાપનગર રેલવે સ્ક્રેપ યાર્ડ ખાતેથી સ્ક્રેપ ભરીને નીકળેલી ટ્રકને શંકાસ્પદ હાલતમાં મકરપુરા પોલીસે ઝડપી પાડી હતી. આ કેસમાં સતત બીજા દિવસે રેલવે તંત્ર દ્વારા સ્ક્રેપની તપાસ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ રેલવેના રિપોર્ટની રાહ જોઇ રહી છે.
વેસ્ટર્ન રેલવે પ્રતાપ નગર સ્ક્રેપ યાર્ડ ખાતેથી જય અંબે ટ્રેડર્સને સ્ક્રેપ ભરવા માટેનું ટેન્ડર લાગ્યું હતું. ઇજારદાર દ્વારા રેલવે કર્મચારીઓની સાથે મળી સ્ક્રેપમાં એમ.એસ.ની સાથે એસ.એસ.નું મટિરિયલ પણ ભરી દીધું હોવાના આક્ષેપ સાથે પોલીક કમિશનર કચેરી અને કોર્ટમાં પણ રજૂઆત થઇ હતી.આ કથિત કૌભાંડમાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગઇકાલથી રેલવે તંત્ર દ્વારા સતત બે દિવસથી ટ્રકમાં ભરેલા સ્ક્રેપની મેગનેટથી તપાસ કરવામાં આવી રહી છે કે, સ્ક્રેપમાં લોખંડ છે કે સ્ટીલ ? આજે બપોરે ૧૦ થી ૧૨ જેટલા સ્ક્રેપના દરવાજા શંકાસ્પદ હોવાનું જણાતા સાઇડ પર મૂકી દેવામાં આવ્યા હતા. રેલવેના અધિકારીઓ દ્વારા હજી તપાસ ચાલી રહી છે. પોલીસ પણ તેના રિપોર્ટની રાહ જોઇ રહી છે.