ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો: કચ્છ જિલ્લો 58.46% સાથે મોખરે, દક્ષિણ ગુજરાતમાં 55.19%
Seasonal Rainfall In Gujarat : ગુજરાતમાં મે મહિનાથી જ ધોધમાર વરસાદની શરુઆત થઈ ગઈ હતી. આ પછી જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અસર કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહ્યું હતું. જ્યારે હવે જુલાઈ મહિનાની શરુઆતથી મેઘરાજાએ જાણે બ્રેક લીધો હોય તેવી સ્થિતિ છે, ત્યારે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 51.09% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 58.46% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 55.19% વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં મોસમનો 51.09% વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે (16 જુલાઈ) સવારે 06 વાગ્યા સુધીમાં એકંદરે 450.55 મિ.મી. વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદની સામે 51.09% જેટલો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 139 તાલુકામાં 251-500 મિ.મી, 45 તાલુકામાં 501-1000 મિ.મી. અને 18 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09% છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 58.46%, દક્ષિણ ગુજરાતમાં 55.19%, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો છે.
40 ડેમો હાઇઍલર્ટ પર
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96% છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% છે.
રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 40 ડેમો હાઇઍલર્ટમાં છે. 24 ડેમો ઍલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 26 ડેમો 100% ભરાયેલા, 58 ડેમો 70%થી 100% વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50%થી 70% વચ્ચે ભરાયેલા છે. આ ઉપરાંત 42 ડેમો 25%થી 50% વચ્ચે અને 40 ડેમો 25%થી નીચે ભરાયેલા છે.