જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું
Jamnagar Weather Update : જામનગર શહેર અને જિલ્લામાં આખરે ગઈકાલથી મોસમે કરવટ બદલી છે, અને રાત્રિના સમયે ભેજનું પ્રમાણ 90 ટકા થઈ ગયા બાદ ટાઢોડું છવાયું હતું, અને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાન ઘટ્યું છે, અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જામનગર શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં 3 ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 31.5 ડીગ્રી નોંધાયું હતું. જેથી બપોર દરમિયાનના આકરા તાપમાન થોડી રાહત જોવા મળી છે. ઉપરાંત લઘુતમ તાપમાનનો પારો પણ નીચે સરક્યો છે, અને સરેરાશ 3 ડીગ્રીના ઘટાડા સાથે 23.0 ડિગ્રીએ સ્થિર રહ્યો છે. જેને લઈને વહેલી સવારે ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગરમાં નવરાત્રીના અંતિમ ચાર દિવસ દરમિયાન સતત આકાશમાં કાળા સફેદ વાદળાના આંટા ફેરા અને છુટા છવાયા વરસાદી રહ્યા બાદ તેમાં ત્રણ દિવસથી વિરામ જોવા મળ્યો છે, પરંતુ ધીમે ધીમે ઠંડીનો પણ ચમકારો વધ્યો છે.
વહેલી સવારે ભેજનું પ્રમાણ 90 ટકા થઈ જતાં જાકળભીની સવાર જોવા મળી હતી. તેમજ બપોર દરમિયાન આકારા તાપમા પણ ઘટાડો નોંધાયો છે, અને મોડી સાંજથી ઠંડુ વાતાવરણ જોવા મળ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે લઘુત્તમ તાપમાન 23.0 ડીગ્રી સેન્ટિગેટ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના 20 થી 22 કી.મી ની ઝડપે રહી હતી.