નોઈડામાં પાકિસ્તાનની સીમા હૈદરને લાફો મારનાર સુરેન્દ્રનગરના યુવકના ઘરે તપાસ
- સીમા હૈદરે કાળુ જાદુ કર્યો હોવાનો યુવકનો આક્ષેપ
- સોશિલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા બાદ યુવક મળવા ગયો હતો : યુવક માનસીક અસ્થિર હોવાનું બહાર આવ્યું
દિલ્હીના નોઈડા ખાતે રહેતી પાકિસ્તાની સીમા હૈદર સાથે સુરેન્દ્રનગરના ટી.બી.હોસ્પીટલ પાછળના વિસ્તારમાં રહેતા યુવક તેજસ જયેન્દ્રભાઈ જાનીની સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવ્યા અને બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. સીમા હૈદરને મળવા માટે યુવક નોઈડાના રાબુપુરા વિસ્તારમાં તેના ઘરે પહોંચ્યો હતો. જ્યાં યુવકે તેના ઘરના દરવાજાને પાટુ મારી અંદર ઘુસ્યો હતો અને સીમા હૈદરનું ગળું દબાવી ત્રણથી ચાર ઝાપટ મારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સીમા હૈદરે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હુુમલો કરનાર સુરેન્દ્રનગરના યુવક તેજસ જાનીને ઝડપી પાડયો હતો અને કસ્ટડીમાં લઈ તપાસ હાથ ધરી હતી. પુછપરછ કરતાં યુવકે સીમા હૈદરે તેના પર કાળુ જાદુ કર્યો હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક એસપીના જણાવ્યા મુજબ હુમલો કરનાર યુવક માનસીક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ટી.બી.હોસ્પીટલ પાછળ ઓમ નગર વિસ્તારમાં રહેતા અને હુમલો કરનાર યુવક તેજસ જાનીના ઘરે તપાસ અર્થે પહોંચ્યા હતા પરંતુ યુવકના ઘેર તાળું મારેલું હતું. પ્રાથમિક તપાસ તેમજ આસપાસના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ૧૦ વર્ષ કરતા પણ વધુ સમયથી યુવક આ વિસ્તારમાં રહેતો હતો અને તેના માતા-પિતાનું અવસાન થઈ ગયું હોય ઘરે એકલો રહેતો હોવાનું અને માનસીક રીતે અસ્થિર હોવાનું તેમજ બે-ત્રણ દિવસથી ઘરેથી ગુમ થયો હોવાનું પણ જણાવ્યું હતું.