Get The App

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ 1 - image

Vadodara : વડોદરા શહેરમાં એક ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 6.10 લાખ પડાવ્યા હોવાના બનાવમાં કપુરાઇ પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 કૃપાલી નામની યુવતીએ ડોક્ટર સાથે વોટ્સએપ મારફતે સંપર્ક સાધ્યો હતો અને પછી તેમને મળવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ નાસ્તો કરવા બહાને ડોક્ટરને કેનાલ તરફ લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ યુવતીના સાગરિતો પોલીસના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આગળ વધુ દબાણ બનાવવા માટે આરોપીઓ ડોક્ટરના ઘરે પણ પહોંચ્યા હતા. યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહી તેની માતાએ ફરિયાદ નોંધાવી હોવાનો ભય ઉભો કરીને કેસનો નિકાલ કરવા માટે રૂ.5 લાખની માંગણી કરી હતી. ડોક્ટર ભયના માહોલમાં રૂપિયા આપવા તૈયાર થતા આરોપીઓ તેમને અલકાપુરી સ્થિત યુનિટી બેંકમાં લઈ ગયા હતા, જ્યાંથી રૂ.6 લાખ ઉપડાવી લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે ડોક્ટરે કૃપાલી પટેલ (રહે. અમદાવાદ), મહાદેવભાઈ, પ્રકાશ પટેલ સહિત અન્ય પાંચ અજાણ્યા લોકો સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તપાસ અધિકારી એમ.કે.કટારિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓના મોબાઇલ નંબરના CDR અને કોલ ડીટેલ્સ મેળવવામાં આવી રહ્યા છે. ઉપરાંત બેંકના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ ક્રાઇમ બ્યુરો, ગાંધીનગરની મદદથી આરોપીઓની ઓળખ માટે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર શોધખોળ ચાલી રહી છે.