સુરતમાં અઠવા ઝોનના પ્રજ્ઞા આવાસની સ્ક્રેપ વેલ્યુ 67 લાખ નક્કી થઈ, આગામી પંદર દિવસમાં ટેન્ડર બહાર પાડવા કવાયત
Surat : સુરત પાલિકાના અઠવા ઝોનમાં પનાસ કેનાલ ખાતે બનેલા પ્રજ્ઞા આવાસ જર્જરિત થતાં તેને તોડી પાડવા માટે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવામાં આવી છે. સરકારના ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આ આવાસ રીડેવલપમેન્ટ કરવાની પાલિકાએ કવાયત શરૂ કરી છે. સ્ક્રેપ વેલ્યુની દરખાસ્ત મંજુર થવા સાથે ડિઝાઈનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે અને આગામી પંદરેક દિવસમાં ટેન્ડર પ્રક્રિયા થાય તેવી શક્યતા છે.
સુરત પાલિકાએ વર્ષ 2002માં પાલિકાએ અઠવા ઝોન વિસ્તારમાં આવાસ બનાવી લાભાર્થીઓને આપ્યા હતા. પ્રજ્ઞા આવાસ બનાવ્યા બાદ પાલિકાએ આવાસ જર્જરિત થતાં 2016 માં ખાલી કરવા માટે નોટિસ આપી હતી. હાલ આ આવાસ જર્જરિત થતાં વસવાટ ખાલી કરાવી દેવાયો છે. માત્ર પંદર વર્ષમાં આવાસ જર્જરિત થતાં વિવાદ ઉભો થયો હતો. આ કેમ્પસમાં 44 ટાવરમાં 704 પરિવાર રહે છે. આજે સ્થાયી સમિતિમાં 67 લાખની સ્ક્રેપ વેલ્યુની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું પનાસ વિસ્તારમાં કેનાલ નજીક 12823 ચો.મીટર વિસ્તારમાં 44 ટાવર આવ્યા છે જેમાં 704 ફ્લેટ છે આ બિલ્ડીંગ જર્જરિત થતા સરકારની પોલીસી પ્રમાણે રિડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાયું છે. હાલ આવાસ માટે ડિઝાઇનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. આગામી પંદરેક દિવસમાં આવાસ રીડેલપમેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરવામા આવશે આ નિર્ણયના કારણે જર્જરિત આવાસમાં રહેતા 704 પરિવારોને નવા આવાસ મળશે.