ભાયલી કેનાલ નજીક કારમાં દારૃની મહેફિલ માણતો સ્ક્રેપનો વેપારી ઝડપાયો
કારમાંથી બિયરના ચાર ખાલી ટીન મળ્યા : બે પૈકી એક મિત્ર પોલીસને જોઇને ભાગી ગયો
વડોદરા,ગોત્રી વિસ્તારમાં કારમાં બેસીને દારૃની મહેફિલ માણતા સ્ક્રેપના વેપારી અને તેના એક મિત્રને ગોત્રી પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક મિત્ર પોલીસને જોઇને કારમાંથી બહાર નીકળી ભાગી ગયો હતો.
ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભાયલી કેનાલ રોડ પર દર્શનમ સ્પ્લેન્ડોરા - ૨ પાસે આવતા એક કાર શંકાસ્પદ લાગતા પોલીસનો સ્ટાફ નજીક પહોંચ્યો હતો. કારમાં ત્રણ વ્યક્તિઓ બેઠા હતા અને ડ્રાઇવર સીટની નીચે બિયરનું એક ટીન હતું. ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠેલો યુવક પોલીસને જોઇને દરવાજો ખોલી હાથમાં બિયરનું ટીન લઇને ભાગી ગયો હતો. ડ્રાઇવર સીટ પર બેઠેલા યુવકે પોતાનું નામ ઓમપ્રકાશ ભંવરલાલ ગુજ્જર, ઉં.વ.૩૪ (રહે. મંગલા મેજીસ્ટી, વ્હાઇટ હાઉસની બાજુમાં, વાસણા - ભાયલી રોડ) તથા તેની બાજુમાં બેઠેલો રવિન્દ્રસિંહ કુંદનસિંહ રાજપૂત, ઉં.વ.૩૨ (રહે. સરદાર સમદ ગામ, તા.સોજત, જિ.પાલી, રાજસ્થાન) પણ નશાની હાલતમાં હતો. જ્યારે પોલીસને જોઇને ભાગી ગયેલો જેટુસિંહ સોહનસીંગ રાજપૂત (રહે. આદર્શ નગર, ફલોદી, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. ગોત્રી પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બિયરનું એક ટીન, ચાર ખાલી ટીન, મોબાઇલ ફોન તથા કાર મળીને કુલ ૧૨.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, ઓમપ્રકાશ ગુજ્જર સ્ક્રેપનો વેપાર કરે છે. જ્યારે અન્ય બે આરોપી તેના મિત્ર છે. જેઓ રાજસ્થાનથી આવ્યા હતા.