Jamnagar Traffic Police : જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે ધરાર હોર્ન વગાડી ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવાટ ઉભી કરી હતી અને મહિલા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે જીભાજોડી કરી દેકારો મચાવતાં તેની સામે ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર ટ્રાફિક શાખામાં છેલ્લા દોઢ માસથી ફરજ બજાવતા મહિલા પીએસઆઇ મીનાબા જાડેજા અને પો.સબ.ઇન્સ. કંડોરીયા તેમજ એ.એસ.આઈ કે,કે,કરંગીયા તથા ટ્રાફિક બ્રિગેડના માણસો સાથે ગોકુલનગર જકાતનાકા ખાતે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન જી.જે. 10 ઇ.સી. 2211 નંબરની સ્કોર્પિયો કારનો ચાલક મયુર ગોકુલભાઇ માળીયા રહે.જામનગર વાળો ટ્રાફિકની વચ્ચે આવ્યો હતો, અને હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું.
જેને અટકાવવા જતાં તેણે હંગામા મચાવ્યો હતો. એટલું જ માત્ર નહીં તેણે પોતાના સાગરીત ભવ્યરાજસિંહ ગોહિલને બોલાવી લીધો હતો. જે બંનેએ ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે બેહૂદુ વર્તન કર્યું હતું, તેમજ દેકારો ચાલુ રાખી પોતાની કાર માર્ગ ઉપર આડી મૂકી દેતાં જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી હતી. આખરે અન્ય પોલીસ સ્ટાફે આવીને કારચાલકને નીચે ઉતાર્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની નોંધવામાં આવ્યો છે, જયારે તેની કાર કબજે કરી લેવાઇ છે.


