Gujarat

સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે

By GS TEAM
1 Sep 20251 min read
સ્કૂલોએ હવે FRC સમક્ષ ફી માટેનું એફિડેવિટ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે

વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.જેના ભાગરુપે સ્કૂલોના ફી નક્કી કરવા માટેના એફિડેવિટ  રજૂ કરવાની અને તેના ઓર્ડર કરવાની કાર્યવાહી ઓનલાઈન હાથ ધરાશે.

એફઆરસીના નિયમ અનુસાર જે સ્કૂલ સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી હોય તે સ્કૂલે ફી મંજૂર કરવા માટે એફઆરસી સમક્ષ દરખાસ્ત કરવાની નથી રહેતી.આ સ્કૂલો એફિડેવિટ કરીને ફી માટે મંજૂરી માગી શકે છે.મધ્ય ગુજરાત ઝોનમાં વડોદરા સહિતના સાત જિલ્લાઓમાં લગભગ ૨૦૦૦ જેટલી સ્કૂલોની ફી એફિડેવિટ થકી મંજૂર થાય છે.અત્યાર સુધી આ સ્કૂલોએ એફઆરસી સમક્ષ હાજર થઈને એફિડેવિટ જમા કરાવવાનું રહેતું હતું અને કમિટિ દ્વારા સ્કૂલોને બોલાવીને ઓર્ડર અપાતો હતો.

તેની જગ્યાએ હવે સ્કૂલો ઓનલાઈન એફિડેવિટ રજૂ કરશે અને તેમને ઓનલાઈન જ ઓર્ડર આપી દેવામાં આવશે.આ એફિડેવિટ સ્વીકારવાનું આજથી શરુ કરાયું છે.સ્કૂલોને આ માટે બે મહિનાનો સમય અપાયો છે.

સૂત્રોનું કહેવું છે કે, જે સ્કૂલોને સરકારની મર્યાદા કરતા વધારે ફી લેવાની છે તેમણે પહેલાની જેમ જ દરખાસ્તો રજૂ કરવાની રહેશે અને આ માટે તા.૩૧ ઓક્ટોબર સુધીની સમય મર્યાદા  નક્કી કરવામાં આવી છે.